‘દશકોના આરોપો છતાં મારા પર કોઈ દેવું નથી,’ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ અજિત પવારે આપી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમના વિવાદાસ્પદ નિવેદન, “આપકે પાસ વોટ હૈ, મેરે પાસ ફંડ હૈ” પર પ્રતિક્રિયા આપી છે. અજિત પવારે જણાવ્યું કે, દાયકાઓથી આરોપો લાગવા છતાં, મારા પર કોઈ દેવું નથી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમના વિવાદાસ્પદ નિવેદન “વોટ દો, ફંડ મિલેંગા” પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, છેલ્લા 35 વર્ષથી મારા પર વિવિધ આરોપો લાગી રહ્યાં છે, તેમ છતાં મારા પર કોઈનું દેવુ નથી અને હું કાયદા અને આચારસંહિતાનું સન્માન કરુ છું. 2 ડિસેમ્બરે યોજાનારી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે આજે (સોમવારે) પરભણી જિલ્લાના જિંતુરમાં એક જાહેર સભાને સંબોધતા અજિત પવારે કહ્યું કે, મીડિયા મારા દરેક શબ્દ પર નજર રાખે છે અને કોઈપણ મુદ્દાને તરત જ મારી સાથે જોડી દેવામાં આવે છે. તેમણે સ્વીકાર્યું કે, કામ દરમિયાન ભૂલો થઈ શકે છે, પરંતુ મારો હેતુ હંમેશા વિકાસનો રહ્યો છે.
અજિત પવારના નિવેદન પર વિપક્ષનો હુમલો
ગયા અઠવાડિયે, પુણે જિલ્લાના માલેગાંવ નગર પંચાયત માટે ચૂંટણી પ્રચાર દરમિયાન, અજિત પવારે કહ્યું હતું કે, જો જનતા મારા ઉમેદવારોને ચૂંટે છે, તો ફંડની કોઈ અછત નહીં થાય, પરંતુ જો મારા ઉમેદવારોને નકારવામાં આવે છે, તો તેમને(જનતા) પણ નકારવામાં આવશે. આ નિવેદન માટે વિપક્ષે તેમના પર હુમલો કર્યો અને માફીની માંગ કરી.
મેં 35 વર્ષમાં ઘણા આરોપોનો સામનો કર્યો
સોમવારે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું, “મીડિયા મારા ફંડથી સંબંધિત દરેક શબ્દ પર નજર રાખી રહ્યું છે. જ્યારે પણ કંઈ થાય છે, ત્યારે તેઓને તરત જ અજિત પવાર યાદ આવે છે. હું આચારસંહિતાનો સંપૂર્ણ આદર કરું છું. જેણે કામ કર્યું છે, તેનાથી ભૂલો થઈ શકે છે, પરંતુ મેં 35 વર્ષમાં ઘણા આરોપોનો સામનો કર્યો છે, અને છતાં હું કોઈનો ઋણી નથી.” જિંતુર મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, તેમણે વિસ્તારમાં વિકાસની ખાતરી આપી. અજિત પવારે કહ્યું, “હું હંમેશા અહીંના વિકાસ સાથે ઉભો રહીશ. વિકાસ કાર્યોથી જે લોકો પ્રભાવિત થશે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.”
ચૂંટણી પંચ પાસેથી નિષ્પક્ષ કાર્યવાહીની માંગ
તેમણે ચૂંટણી પંચ પાસેથી નિષ્પક્ષ કાર્યવાહીની પણ માંગ કરી. અજિત પવારે આરોપ લગાવ્યો કે, કેટલીક બિન-સરકારી સંસ્થાઓના સભ્યો ઘરે ઘરે જઈને મતદારો પાસેથી તેમના પરિવારો અને કાર્ય વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચ આને અવગણી રહ્યું છે. તેમણે કહ્યું, “કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. દરેક રાજકીય પક્ષનો ન્યાય સમાન નિયમો દ્વારા થવો જોઈએ.”
આ દરમિયાન તેમણે અનેક કેન્દ્રીય અને રાજ્ય યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ યોજનાઓનો ફાયદો ફક્ત કાગળ પર નહીં, પણ જમીન પર દેખાવો જોઈએ. તેમણે કહ્યું કે, ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય દિશામાં ઉપયોગ કરીને પ્રદેશનો વિકાસ કરી શકાય છે.
આ પણ વાંચો: અલવિદા ધર્મેન્દ્રઃ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી, અજય, કાજોલ સહિતની સેલિબ્રિટીઝે વ્યક્ત કર્યું દુઃખ












