અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ : યુવકે બેંકે ફ્રીઝ કરેલી રકમ છોડાવવા સાયબર પોલીસનું જ ઈ-મેઈલ ID હેક કર્યું

  • સાયબર પોલીસે વિશાલ વાણંદની અટકાયત કરી પૂછપરછ કરી
  • આ કારસ્તાનમાં કોણ-કોણ સામેલ છે તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે
  • પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિશાલ વાણંદ આઈટી કરેલો છે

જૂનાગઢ રેન્જ સાયબર પોલીસનું જ ઈ-મેઈલ આઈડી હેક કરી ફ્રીઝ કરેલી રકમ અનફ્રીઝ કરાવવા માટે બેંકને મેઈલ કરવામાં આવ્યા હતા પરંતુ, સબજેક્ટ બ્લેન્ક હોવાના લીધે બેંકમાંથી સાયબર પોલીસને મેઈલ આવતાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટ્યો હતો.

આ કારસ્તાનમાં કોણ-કોણ સામેલ છે તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે

આ મેઈલ કરનાર અમદાવાદ આઈટી નિષ્ણાંત અને પોલીસના જ મદદગાર એવા શખસની રેન્જ સાયબર પોલીસે પકડી લઈ પૂછપરછ કરતા તેણે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થયેલી રકમ અનફ્રીઝ કરાવવા મેઈલ કર્યાની કબૂલાત આપી હતી. હજુ આ કારસ્તાનમાં કોણ-કોણ સામેલ છે તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

શું હતી ઘટના?

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એ.જોષી, વી.એમ. જોટાણીયા સહિતનો સ્ટાફ ગત ત્રીજી મેના ફરજ પર હતા ત્યારે સાયબર ક્રાઈમના સરકારી ઈ-મેઈલ આઈડી પર આઈ.સી.આઈ.સી.આઈ બેંક તરફથી ફોરવર્ડ કરેલો મેઈલ આવ્યો હતો. જેમાં જી.બી. સિસોદીયા, પી.એસ.આઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જૂનાગઢનો મેઈલ આવ્યો હતો. સ્ટાફની પૂછપરછ દરમિયાન આવો કોઈ મેઈલ કોઈએ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.

ફ્રોડની રકમ 20.44 લાખ અનમોલ ઈ-કાર્ડસ એન્ડ યુટીલિટી સર્વિસમાં જમા કરવા જણાવ્યું

ટેક્નિકલ તપાસ કરતા બેંકમાંથી આવેલા મેઈલમાં એકાઉન્ટ નંબર અને ખાતા ધારકનું નામ બાલાજી ઈ-કોમર્સ દર્શાવ્યું હતું, જેમાં ફ્રોડની રકમ 20.44 લાખ અનમોલ ઈ-કાર્ડસ એન્ડ યુટીલિટી સર્વિસમાં જમા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત એસ.બી.આઈ બેંકના એસ.કે.એલ ઓનલાઈન સર્વિસ ઓપીસી પ્રા.લિ. માં દર્શાવેલી ફ્રોડની રકમ 30.92 લાખ, બેંક ઓફ બરોડાના ખાતાધારક શ્યામ ઓનલાઈન સર્વિસમાં દર્શાવેલી 7.40 લાખ, પંજાબ નેશનલ બેંકના ખાતાધારક ગણેશ ઓનલાઈન સર્વિસમાં 14.95 લાખ અનફ્રીઝ કરવા મેઈલ થયેલો હોવાનું સામે આવ્યું હતું. મેઈલમાં સાયબર પોલીસના પી.એસ.આઈ તરીકે જી.બી. સિસોદિયાનું નામ દર્શાવ્યું હતું પરંતુ, જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં આ નામના કોઈ અધિકારી ન હોવાથી સાયબર રેન્જ પોલીસે બેંકના અધિકારીઓનો સંપર્ક કરી કોઈ કાર્યવાહી ન કરવા જાણ કરી હતી.

સાયબર પોલીસે વિશાલ વાણંદની અટકાયત કરી પૂછપરછ કરી

રેન્જ સાયબર પોલીસમાં સરકારી મેઈલ આઈડીનો પાસવર્ડ હેક કરી અજાણ્યા શખસે આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યા બાદ સાયબર પી.આઈ સી.વી. નાયક સહિતના સ્ટાફે આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં અમદાવાદના વિશાલ વાણંદનું નામ ખુલ્યું હતું. સાયબર પોલીસે વિશાલ વાણંદની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ફ્રીઝ રકમ અનફ્રીઝ કરાવવા માટે મેઈલ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિશાલ વાણંદ આઈટી કરેલો છે અને સાયબર ક્રાઈમને લગતા ગુનામાં પોલીસને મદદ કરે છે. આ શખસ અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસને સાયબરને લગતા ગુનામાં મદદ કરતો હોવાનું તે જણાવે છે. હજુ આ કારસ્તાનમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, જાણો ક્યા છે વરસાદની આગાહી

Back to top button