અમદાવાદ: શહેરમાં રખડતા શ્વાસનનો ત્રાસ, ડોગ બાઈટના કેસ જાણી ચોંકી જશો

- ગૌવંશની માફક જ શ્વાનની ફરિયાદ પણ દોઢથી બે ગણી થઈ
- લોકોને રખડતા શ્વાનના ટોળાઓનો સામનો કરવો પડે છે
- છેલ્લા ચાર મહિનામાં 2412 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું
અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે રસ્તા પર રખડતા ગૌવંશની માફક જ શ્વાનની ફરિયાદ પણ દોઢથી બે ગણી થઈ ગઈ છે. નવા શરૂ થયેલા નાણાંકીય વર્ષના ગત ચાર મહિના દરમિયાન અમદાવાદના શહેરીજનોએ રખડતા શ્વાનની 3891 ફરિયાદો નોંધાવી છે. જે પૈકી એકલા જુલાઈમાં 1395 ફરિયાદો આવી છે.
ગાય, ધણખૂંટ, શ્વાનનો ત્રાસ ઓછો ચોક્કસ થયો છે
રસ્તા પર વાહન લઈને નીકળતા શહેરીજનોએ અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનના ટોળાઓનો સામનો કરવો પડે છે. બીજી બાજુ આ ચાર માસ દરમિયાન શ્વાનના કરડવાના 20 હજાર જેટલા કિસ્સા નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. રસ્તા પરથી રખડતા પશુઓ એટલે કે ગાય, ધણખૂંટ, શ્વાનનો ત્રાસ ઓછો ચોક્કસ થયો છે, પરંતુ બંધ નથી થયો.
ચોમાસામાં રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો હોવાની બૂમ લોકોમાંથી ઉઠી
ચોમાસામાં રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો હોવાની બૂમ લોકોમાંથી ઉઠી છે. મ્યુનિ. કોર્પોરેશન તંત્રના અનુમાન પ્રમાણે શહેરમાં રસ્તાઓ પર લગભગ બે લાખ જેટલા શ્વાન છે. છેલ્લા ચાર મહિનામાં 2412 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તેની સામે રખડતા શ્વાનની ફરિયાદો દોઢ ગણી નોંધાઈ છે.
20 હજાર જેટલા લોકોને શ્વાન કરડતા સારવાર લેવાની ફરજ પડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, દર મહિને ડોગબાઈટ એટલેકે શ્વાન કરડવાના પાંચેક હજાર કિસ્સા સામે આવે છે. જે મુજબ, ચાર મહિનામાં 20 હજાર જેટલા લોકોને શ્વાન કરડતા સારવાર લેવાની ફરજ પડી છે.
આ પણ વાંચો: સુરત: તિરંગા યાત્રાની તડામાર તૈયારી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહે તેવી શક્યતા












