ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વૈષ્ણોદેવી સર્કલ પાસે ત્રિપલ અકસ્માત: કાર ડિવાઈડર તોડીને બસમાં ઘૂસી, BJP નેતાના પુત્રનું કરુણ મોત

અમદાવાદ: આજે વહેલી સવારે લગભગ 6:30 વાગ્યે એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક ગાઢ ધુમ્મસ વચ્ચે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ત્રણને ઈજા પહોંચી છે.

ઘટનાની વિગતો અનુસાર, સરખેજથી ગાંધીનગર તરફ હાઈ સ્પીડે જતી ફોર્ચ્યુનર કાર (રજિસ્ટ્રેશન નંબર GJ 18 EF 9) અન્ય વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં કંટ્રોલ ગુમાવી બેઠી હતી. કાર મેડિયન સાથે અથડાઈ, ડિવાઈડર કૂદીને વિરુદ્ધ દિશામાં જઈને હિમ્મતનગર-રાજકોટ રૂટ પર જતી એસટી બસ સાથે અથડાઈ ગઈ. આ અથડામણથી બસના ડ્રાઈવરે પણ કંટ્રોલ ગુમાવ્યો અને બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ઉપરાંત, ફોર્ચ્યુનર પાછળ આવતી બ્રેઝા કાર પણ અકસ્માતનો ભોગ બની, જેનાથી બંને કારો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

આ ઘટનામાં ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા દેખાય છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો.

આ અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનુ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. આઈ. બી. વાઘેલાના પત્ની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. આઈ. બી. વાઘેલા વકીલ પણ છે.

ફોર્ચ્યુંનર કારમાં ધવલ ઈશ્વરસિંહ વાઘેલા અને યુવતી દેવાંશી યોગેશ પંડ્યા (બન્નેની ઉંમર 21 વર્ષ) સવાર હતાં. અકસ્માત સ્થળેથી બન્નેને હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટરે ધવલને મૃત જાહેર કર્યા હતો, જ્યારે યુવતીને ગંભીર ઈજા થઈ છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં અફસાનાબાનુ સમરભાઈ ખલીફા (23 વર્ષ) અને રસુલભાઈ બાબુભાઈ આઝમ (32 વર્ષ)નો સમાવેશ થાય છે, જેઓ સારવાર હેઠળ છે. એસટી બસમાં સવાર મુસાફરોને કોઈ ઈજા થઈ નથી અને તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અકસ્માતને કારણે હાઈવે પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો અને કારના ટુકડા રોડ પર વેરવિખેર પડ્યા હતા. ગાંધીનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત ફોર્ચ્યુનરને હટાવી અને ટ્રાફિકને નિયંત્રણમાં લીધો હતો.

 આ પણ વાંચો: મહા ગુપ્ત નવરાત્રી ક્યારથી થશે શરૂ? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Back to top button