ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: લગ્નમાં ડીજે વગાડવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ગઈકાલે (20 ફેબ્રુઆરી 2026) રાત્રે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં એક યુવતીના લગ્નપ્રસંગ દરમિયાન બે જૂથો વચ્ચે જોરદાર મારામારી અને પથ્થરમારો થયો હતો. આ ઘટના રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી અને તપાસ શરૂ કરી છે.

શું છે મામલો?

વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં એક યુવતીના લગ્નપ્રસંગ દરમિયાન ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હતું. અવાજ વધુ થતો હોવાથી આસપાસના વિસ્તારના રહેવાસીઓ પાર્ટી પ્લોટમાં પહોંચ્યા હતા અને ડીજે ધીમુ વગાડવા કે બંધ કરવાનું કહ્યું, જે બાદ વિવાદ શરૂ થયો હતો. વિવાદ ઉગ્ર બનતાં બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ, જેમાં પથ્થરમારો પણ થયો. કેટલાક લોકોએ પાર્ટી પ્લોટની બહાર ઊભેલા વાહનોમાં તોડફોડ કરી. ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાનું કહેવાય છે, જોકે હાલ સુધી કોઈ મોટી જાનહાનિની વિગતો સામે આવી નથી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી અને તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષે સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી. તો બીજી તરફ આજે પોલીસ સ્ટેશનમાં પરિવારના સભ્યો અને VHPના કાર્યકરોએ ધરણા કર્યા છે. મહિલાઓએ હાથમાં પોલીસ હાય હાયના બેનર સાથે વિરોધ કર્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તોડફોડ અને અફરાતફરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ પ્રકારની ઘટનાઓ લગ્ન કે સામાજિક કાર્યક્રમોમાં વારંવાર બને છે, જેથી પોલીસને વધુ કડક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવું પડે તેમ છે. હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશનની તૈયારી,પોલીસના ધાડેધાડા ઉતર્યા

Back to top button