અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ માટે હજુ 36 કલાક ભારે! આજે-કાલે મેઘતાંડવની આગાહી, 28 જુલાઈથી મળશે રાહત

Ahmedabad Rain: અમદાવાદમાં 23 જુલાઈના મેઘતાંડવ બાદ પણ વરસાદી ત્રાસ યથાવત્ છે. હવામાન વિભાગે શહેર માટે આગામી 36 કલાક ભારે હોવાનું જણાવી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે (25 જુલાઈ) તેમજ આવતીકાલે (26 જુલાઈ) શહેરમાં ભારે વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27 જુલાઈ, સોમવારે પણ અમદાવાદમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. જોકે 28 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને શહેરમાં માત્ર હળવાંથી મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે. 30 જુલાઈ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકના સતત વરસાદને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન ઘટીને 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 6.8 ડિગ્રી ઓછું છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ 96 ટકા નોંધાતા દિવસ દરમિયાન વધુ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યભરમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. રાજ્ય ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે રાધનપુર, ભાભર, દિયોદર અને નડિયાદ સહિત પાંચ તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને પગલે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં સવાર સુધી કેટલો વરસાદ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 0.13 ઈંચ વરસાદ નોંધાયો હતો. ચાલુ ચોમાસામાં શહેરનો કુલ સરેરાશ વરસાદ 18.64 ઈંચ (473.24 મીમી) પર પહોંચી ગયો છે.

ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. તંત્રે સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી નજીક ન જવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર : જાણો દિલ્હી-મુંબઈ સહિત મોટા શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ
Back to top button