અમદાવાદઃ 2696 આગનાં બનાવોમાં પ્રજાનાં 138 કરોડ સ્વાહા છતાં ફાયર વિભાગમાં 293 જગ્યા ખાલી રહેતા વિરોધ

11 માર્ચ 2025 અમદાવાદ: શહેરમાં 2023/24ની સાલમાં કુલ આગ લાગવાનાં 2696 બનાવો બનવા પામ્યા હતા જેની સામે પ્રજાનાં 138 કરોડની માલમિલકતનું નુકસાન થયું છે. ક્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતાએ શાસકો સામે કેટલાક સવાલો કર્યા છે અને આંકડાકીય માહિતી આપતા કહ્યું હતું કે ફાયરબ્રિગેડ ખાતામાં ફાયરખાતાનો સ્ટાફ શેડયુલ મુજબનો 796 કર્મચારીઓનો છે. પરંતુ હાલમાં માત્ર 540 કર્મચારીઓ જ કાર્યરત છે. 293 જગ્યાઓ ખાલી પડી છે. આટ આટલા આગના બનાવ બન્યા પછી પણ કોર્પોરેશનના સત્તાધીશો ખાલી પડેલી જગ્યા ઉપર વાયર કર્મચારીઓની નિમણૂક ન કરીને અમદાવાદની પ્રજાને જોખમમાં મુકવાનું કાર્ય કરી રહ્યું છે.
AMCની હદમાં વધારો થતાં આગનું જોખમ વધારે
AMC વિરોધ પક્ષ નેતાએ જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડની સેવા માટે અમદાવાદ શહેર સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ગણાતું હતું. બીજા શહેરના લોકો આ સેવાનો અભ્યાસ કરવા અમદાવાદ આવતાં હતા. ત્યારે ફરીથી આ સ્થાન પરત મેળવવા તેમજ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ફાયરબ્રિગેડને સાધન સજ્જ કરવું જરૂરી જ નહી પણ અનિવાર્ય પણ બની રહે છે. AMCની હદમાં વધારો થતાં હાલ 488 ચો. કિ.મી થયો છે ત્યારે મ્યુ. ફાયરબ્રિગેડ ખાતામાં ફાયરખાતાનો સ્ટાફ શેડયુલ મુજબનો 796 કર્મચારીઓનો છે. તેમાં વખતો વખત રાજીનામાં, કર્મચારીઓના અવસાન તથા નિવૃતિના કારણે ખાલી જગાઓ પડતા તેમજ નવા ફાયર સ્ટેશનો થવા છતાં સ્ટાફની ભરતી કરવામાં આવી નથી.

હાલમાં ફાયર વિભાગના 540 કર્મચારીઓ કાર્યરત
આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં કુલ સ્ટાફની સંખ્યા આશરે 540 જેટલી થઈ છે. અને હાલ જે જગ્યાઓ ખાલી છે તેમાં મુખ્યત્વે ડે.ચીફ ફાયર ઓફિસરની 5 જગ્યા, ડિવિ. ફાયર ઓફિસરની 4 જગ્યા, સ્ટેશન ફાયર ઓફિસરની 11 જગ્યા, સબ ફાયર ઓફિસરની 17 જગ્યા અને ફાયરમેનની 129 જગ્યાઓ તેમજ અન્ય જગ્યાઓ મળી કુલ 293 જગ્યાઓ ખાલી છે. આના કારણે સને ૨૦૨૩-૨૪માં અમદાવાદ શહેરમાં કુલ 2696 જેટલા આગના બનાવો બનવા પામ્યા તેને કારણે પ્રજાના 138.25 કરોડના માલ મિલકતનું નુકશાન થવા પામ્યું હતું. આ ખૂબ જ ગંભીર બાબત છે. શહેરના નાગરીકોને આગ, અકસ્માત, ડૂબવાના કે કુદરતી આપતિ જેવી કે ભૂકંપ, પૂર જેવા વિવિધ કપરા સંજોગોમાં સેવા આપનાર – આપણા જાનમાલની સલામતી રાખનાર ફાયરબ્રિગેડમાં સ્ટાફ અને સાધનો પૂરતા હોવા જ જોઈએ.
ફાયર ડીર્ષાની ખાલી જગ્યાઓ તાકીદે ભરવા માંગ
તેમણે ઉમેર્યું હતું કે સ્ટાફની અછત હોવાના કારણે સમયસર અકસ્માતના સ્થળે ત્વરીત પહોંચી શકાતું નથી જેથી લોકોના જાનમાલનો બચાવ કરવામાં સમયનો વિલંબ થાય છે. ત્યારે શહેરમાં ગમે ત્યારે કોઇ દુર્ઘટના બને કે કુદરતી આપત્તિ આવી પડે ત્યારે ફાયર ડીર્ષા મેન પાવર તથા પૂરતા અધ્યતન સાધનો સાથે સુસજ્જ હોવું જોઈએ.જેથી પ્રજાની સલામતી તથા તેના જાનમાલની સલામતીને પ્રાધાન્ય આપી ફાયર ડીર્ષાની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગ છે.












