
Ahmedabad police threat case: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા પાટિયા નજીક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે લુખ્ખા તત્વો દ્વારા PCR વાનને રસ્તા વચ્ચે અટકાવીને પોલીસકર્મીઓને ખુલ્લેઆમ ધમકાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. આ ઘટનાએ પોલીસ તંત્રમાં પણ ચિંતા વધારી છે.
માહિતી મુજબ, આ ઘટના 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બની હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક યુવક ચાલતી PCR વાનની સામે આવીને તેને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે ડ્રાઈવર સાઇડની બારી પાસે જઈને પોલીસકર્મીઓને ધમકાવતો જોવા મળે છે. એટલું જ નહીં, જ્યારે ડ્રાઈવર ગાડી આગળ વધારવાનો પ્રયાસ કરે છે ત્યારે પણ તે યુવક ગાડી સાથે-સાથે ચાલીને દાદાગીરી ચાલુ રાખે છે.
આ ઘટના નરોડા પાટિયા વિસ્તારની છે, જ્યાં કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર પોલીસ સ્ટેશનની હદો જોડાય છે. શરૂઆતમાં આ વાન કયા પોલીસ મથકની છે તે અંગે ગૂંચવણ સર્જાઈ હતી, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ વાહન સૈજપુર-બોઘા સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપ (SRP)નું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.વી. નાયકે સ્પષ્ટતા કરી છે કે વાયરલ વીડિયોમાં દેખાતી PCR વાન નરોડા પોલીસ સ્ટેશનની નથી. છતાં પણ પોલીસકર્મીઓ સાથે થયેલી આ દાદાગીરીને ગંભીરતાથી લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે વીડિયોમાં દેખાતા બંને શખ્સોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે તેમજ સ્થાનિક સૂત્રો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની ખુલ્લી ધમકી અને પોલીસ કામગીરીમાં અવરોધ ઉભો કરવો ગંભીર ગુનો છે. ટૂંક સમયમાં જ બંને આરોપીઓને ઓળખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં પોલીસની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.












