અમદાવાદ: બાંગ્લાદેશી ઘુસણખોરોનો માસ્ટર માઈન્ડ લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ; ક્રાઈમ બ્રાન્ચે હિસાબ શરૂ કર્યો

2 મે 2025 અમદાવાદ: ચંડોળા તળાવ પાસે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો માસ્ટર માઈન્ડ લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. તે પહેલા આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ લલ્લા બિહારીના દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાં સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી. ત્યારે સર્ચ દરમિયાન મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિત થોકબંધ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. અત્રે મહત્વનું છે કે લલ્લા બિહારી કુલ 5 મકાનોમાં 4 પત્ની સાથે રહેતો હતો. હાલ તેના દીકરા ફતેહ મોહમ્મદની પણ પોલીસે ધરપકડ કરી છે. જે આધારિત ક્રાઈમ બ્રાંચની ટીમ રાજસ્થાન પહોંચી લલ્લા બિહારીને ઉઠાવ્યો હતો.

સ્થાનિક નેતાઓએ મદદ કરી કે કેમ તપાસ કરાશે
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે લલ્લા બિહારી 4 પત્ની સાથે તેના 5 મકાનમાં રહેતો હતો અને પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવ્યા છે. હાલ આ તમામ મામલે 200 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સર્ચ ઓપરેશનમાં ભારત દેશના પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજ મળ્યા છે તો કેટલાક પાસે કોઈ પણ દસ્તાવેજ મળ્યા નથી. જે લોકો પાસે બનાવટી દસ્તાવેજો મળ્યા છે તેમની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગેરકાયદે રહેતા લોકોને લલ્લા બિહારી મદદ પૂરી પાડતો હતો તેની સાથે કેટલાય રાજકીય નેતાઓ પણ મદદ પુરી પાડતા હતા. જોકે હાલ આ તમામ મામલે દસ્તાવેજો બનાવવામાં બાંગ્લાદેશીઓને અહીંના લોકોને નેતાઓએ મદદ કરી છે કે નહીં તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.
ગેરકાયદે કામોમાંથી 15થી 20 લાખ મહિને કમાતો
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોથી મળતી માહિતી મુજબ લલ્લા બિહારી દર મહિને ગેરકાયદેસર કામો કરી 15થી 20 લાખ રૂપિયા કમાતો હતો અને ડ્રગ્સ, દેહવ્યાપાર, ઘૂસણખોરોને પનાહ આપવી, વ્યાજખોરો સહિતના કાળા ધંધાનો માસ્ટર માઈન્ડ લલ્લા બિહારી છે. આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ જેવી કે ડ્રગ્સ, દેહ વ્યાપારનો અડ્ડો બની ગયું હતું. આ ગેરકાયદેસર ધંધા સાથે બાંગ્લાદેશી નાગરિકો સંકળાયેલા છે. તેના પુત્ર સાથે મળીને મિલલતનગર, બોમ્બે હોટલ દાણીલીમડા અને જુહાપુરા ખાતે પણ સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને વેચાણ આપ્યું હતું.
લલ્લા બિહારીની ક્રાઈમકુંડળી; વસાહતનું પેકેજ આપતો
ક્રાઈમ બ્રાન્ચ DCP અજીત રાજ્યાને લલ્લા બિહારી કેવી રીતે બાંગ્લાદેશીઓને વસાવતો આપતો અંગે જણાવતા કહ્યું કે લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ ભારતમાં વસાવા માટે સંપૂર્ણ પેકેજ આપતો હતો જેમાં ₹25,000માં આધાર અને 5,000માં પાનકાર્ડ બનાવી આપતો તેમજ 2 લાખમાં બાંગ્લાદેશીઓને ભારતીય નાગરિકતા અપાવતો સાથે બાંગ્લાદેશથી આવતા લોકોને આશરો આપવા 150 ઝૂંપડા પણ બનાવ્યા હતા. જેમાં માસિક 2000થી 2500ના ભાડાથી ઝૂંપડું આપતો હતો. 2000 ભિખારીઓની ગેંગ સાથે દરેક પાસેથી ₹500 લેતો હતો. રોજનું ટર્ન ઓવર 10 લાખ રૂપિયા જેટલું કરતો હતો. તે ઝુપડા, દુકાન, પાર્કિંગ ,પાર્ટી પ્લોટમાંથી દર મહિને 8.40 લાખ રૂપિયાની કમાણી કરતો હતો સાથે બાંગ્લાદેશીઓને 10% વ્યાજ પૈસા આપી, 250 રીક્ષા ખરીદી 200થી 300ના ભાડે ફેરવવા પણ આપતો. બાંગ્લાદેશથી આવેલી 60 જેટલી મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર પણ કરાવતો.
અત્રે મહત્વનું છે કે લલ્લા બિહારી પોલીસની પકડમાં આવ્યો છે ત્યારે તેના મોટા દીકરા મોહમ્મદની પણ પોલીસે ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં તે લગ્ન પ્રસંગ માટે રાજસ્થાન ગયો હોવાનું જાણવા મળતા તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પહોંચી છે તે બાબતના ઈનપુટ મળતા ત્યાંથી પણ લલ્લા પઠાણ ભાગતો ફરતો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના સતર્ક નેટવર્ક સામે લલ્લાની યુક્તિ ટૂંકી પડી અને ક્રાઈમ બ્રાન્ચના હાથે ચડી જતા પોલીસની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે.












