અમદાવાદમાં ચાર કલાકના વરસાદે શહેર ઠપ્પ: સાયન્સ સિટી-થલતેજમાં અઢી ઇંચ વરસાદ

, પશ્ચિમ વિસ્તારો જળબંબાકાર
એસ.જી. હાઇવે પર વાહનો પાણીમાં ફસાયાં, ચાણક્યપુરીમાં કમર સુધી પાણી; અનેક સોસાયટીઓમાં ઘૂસ્યાં વરસાદી પાણી, શાળાઓ માટે ડીઈઓની સાવચેતીની સૂચના
અમદાવાદ: શહેરમાં સોમવારે સવારે માત્ર ચાર કલાકમાં પડેલા ધોધમાર વરસાદે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ અમદાવાદને પાણીમાં ગરકાવ કરી દીધું. સવારે 6થી 10 વાગ્યા દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો, અંડરપાસ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ આ ચાર કલાકમાં શહેરમાં સરેરાશ 24.66 મિમી (એક ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 29.71 મિમી (1.2 ઇંચ) વરસાદ વરસ્યો હતો.
સાયન્સ સિટીમાં સૌથી વધુ વરસાદ
વરસાદના આંકડા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટીમાં 61 મિમી (2.40 ઇંચ) અને થલતેજમાં 58.5 મિમી (2.30 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત મેમનગર (46.5 મિમી), બોડકદેવ (42 મિમી), ચાંદલોડિયા (38 મિમી), કઠવાડા (35.5 મિમી), મેમ્કો (30.5 મિમી), રાણીપ (30 મિમી), નવરંગપુરા (27.5 મિમી), ઉસ્માનપુરા (27 મિમી) અને વાસણા (25.5 મિમી)માં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
એસ.જી. હાઇવે સહિત અનેક રસ્તા પાણીમાં ગરકાવ
મુશળધાર વરસાદને કારણે એસ.જી. હાઇવેના થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. અનેક કારના અડધા ટાયર પાણીમાં ડૂબી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ચાણક્યપુરી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર ટાપુ સમાન બની ગયો હતો. ચાંદલોડિયા રોડ, આર્યન બંગલોઝ અને સમરસ હોસ્ટેલ નજીક ઘૂંટણસમાં પાણી ભરાતાં સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા
સ્ટર્લિંગ સિટી સહિત અનેક રહેણાક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં રહીશોને ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સહિતનો કિંમતી સામાન સુરક્ષિત સ્થળે ખસેડવો પડ્યો હતો. અનેક વેપારી વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ઘૂસતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

શાળાઓ માટે ડીઈઓની તાકીદની સૂચના
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ (DEO) તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓને ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે.
શાળા સંચાલકોને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ શૈક્ષણિક કામગીરી શરૂ કરવા, શાળા પરિસરમાં પાણી ભરાયું હોય અથવા વાહનવ્યવહાર અસુરક્ષિત હોય તો જરૂરી નિર્ણય લઈ વાલીઓને સમયસર જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
તંત્ર એલર્ટ, વધુ વરસાદની આગાહી
ભારે વરસાદ બાદ AMCએ પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશનો અને ફિલ્ડ સ્ટાફને એલર્ટ પર રાખ્યા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.












