અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

અમદાવાદ: બાવળામાં ધોળા દિવસે 3 લાખની રોકડા ભરેલી થેલીની ચોરી, CCTVમાં કેદ થઈ ઘટના

અમદાવાદ 23 નવેમ્બર 2025: અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારમાં શનિવારે એક ચોંકાવનારી ચોરીની ઘટના બની. સાણંદ તાલુકાના રાજોદા પાસેના હાઇવે કિનારે એક વેપારી પોતાની કારનું પંચર થયેલું ટાયર બદલવા રોકાયા હતા. આ દરમિયાન તેમની કારમાં ₹૩ લાખથી વધુની રોકડા ભરેલી થેલી હતી.

આ તક જોઈને એક અજાણ્યો ચોર નજીક આવ્યો અને વેપારીના શર્ટ પર ગંદુ પાણી કે કાદવવાળું પ્રવાહી ફેંકી દીધું. વેપારી જ્યારે ગભરાઈને પોતાનો શર્ટ સાફ કરવામાં વ્યસ્ત થયા ત્યારે ચોરે ઝડપથી કારની સીટ પરથી થેલી ઉપાડી લીધી અને નાસી છૂટ્યો. આખી ઘટના માત્ર ૧૦-૧૫ સેકન્ડમાં બની ગઈ.

સદનસીબે સમીપમાં આવેલા પેટ્રોલ પંપ તેમજ એક દુકાનના સીસીટીવી કેમેરામાં આ ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં ચોરનો ચહેરો, કપડાં અને ભાગવાનો રસ્તો સાફ દેખાય છે. ચોરે લાલ-કાળા ચેકવાળો શર્ટ અને જીન્સ પહેરી હતી અને તેની ઉંમર આશરે ૨૫-૩૦ વર્ષની આસપાસ લાગે છે.

ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એસ. ચૌહાણની આગેવાનીમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આસપાસના વિસ્તારોમાંથી વધુ સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ SIR ને લાદવામાં આવેલો જુલમ ગણાવ્યો, જાણો X પર બીજું શું લખ્યું?

Back to top button