અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલ પતિના અવસાન બાદ મહિલાએ બીજા લગ્ન કરી પેન્શન મેળવતા ભરાઇ

- પતિના અવાસાન પછી પાંચ વર્ષ સુધી પેન્શન મેળવ્યું
- કારંજ પોલીસે મહિલા ક્લાર્ક સામે ગુનો નોંધ્યો છે
- મણિનગરમાં રહેતા દક્ષાબહેન સામે ફરિયાદ નોંધાવી
પોલીસ કોન્સ્ટેબલ પતિના અવસાન બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હોવાનું છૂપાવ્યું હતું એટલું જ નહી સીઆઇડી ક્રાઇમમાં જૂનિયર કલાર્ક તરીકે નોકરી કરતી મહિલાએ પેન્શન વિભાગમાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને રૂપિયા ૧૪.૯૮ લાખ ફેમિલિ પેન્શન મેળવ્યું હતું. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મણિનગરમાં રહેતા દક્ષાબહેન સામે ફરિયાદ નોંધાવી
કલોલમાં રહેતા લાલ દરવાજા ખાતે પેન્શન ચુકવણા કચેરીમાં તિજોરી અધિકારી તરીકે નોકરી કરતા હાર્દિકકુમાર પ્રજાપતિએ મણિનગરમાં રહેતા દક્ષાબહેન સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા. બિમારીના કારણે તા.૩૦-૦૭-૧૯૯૩ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ પતિનું ફેમિલિ પેન્શન મેળવતા હતા. ત્યારબાદ ૧૯૯૫માં તેમણે ખોખરાના યુવક સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં ખોટા સ્વઘોષણા પ્રમાણપત્ર સહિત બોગસ દસ્તાવેજ પેન્શન કચેરીમાં રજૂ કરીને પતિનું ફેમિલિ પેન્શન મેળવતા હતા.
અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ભરતી થયા
બીજીતરફ પતિની જગ્યાએ રહેમરાહે તેમને અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ભરતી થયા હતા. મહિલાએ બીજા લગ્ન કર્યા હોવાની જાણ પોલીસને થઇ હતી. જેથી અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી ખાતેથી તેમની ખાતાકીય તપાસ શરૂ કરી હતી અને વર્ષ ૨૦૨૦માં પેન્શન વિભાગને પત્ર લખીને જાણ કરતા તેમનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મહિલાએ સત્ય હકિકત છુપાવીને ગત નવેમ્બર ૧૯૯૫ થી ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી કુલ રૂ. ૧૪.૮૯ લાખ ગેરકાયદેસર ફેમિલિ પેન્શન મેળવીને ઠગાઇ આચરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની કરાઇ જાહેરાત












