અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ/ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

149th Rath Yatra of Lord Jagannath: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા આ વર્ષે વધુ આધુનિક અને સઘન બનાવવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર 16 કિલોમીટર લાંબા યાત્રા માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ભવ્ય રથો ઉપરાંત 18 ગજરાજ, 103 શણગારેલા ટ્રકો, 30 અખાડાઓ અને અનેક ભજન મંડળીઓ ભાગ લેશે. સમગ્ર રૂટ પર ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થિત અવરજવર માટે પોલીસના વિશેષ બંદોબસ્ત સાથે ટ્રાફિકનું પણ સચોટ આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા, 100થી વધુ ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ, એન્ટી-ડ્રોન સિસ્ટમ, CCTV નેટવર્ક તેમજ ગજરાજ પર GPS ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે. ઉપરાંત ડેસિબલ મીટર દ્વારા અવાજના સ્તર પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

સમગ્ર રથયાત્રાની દેખરેખ માટે 10 IG અને DIG કક્ષાના અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે 1 JCP, 42 DCP, 93 ACP, 303 પોલીસ ઇન્સ્પેક્ટર અને 673 PSI વિવિધ સ્થળોએ ફરજ બજાવશે. સુરક્ષા માટે 30 હજારથી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ, 15 SRP કંપનીઓ તેમજ BSF અને અન્ય પેરામિલિટરી દળોના આશરે 1,000 જવાનો પણ તૈનાત રહેશે.

પોલીસ તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રામાં સહભાગી બનવાની અપીલ કરી છે. આ વર્ષે ટેક્નોલોજી અને માનવબળના સંયોજન સાથે અમદાવાદની રથયાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કેતન અગ્રવાલ કેસની આરોપી સિયાના પરિવારની મુશ્કેલી વધી, દુકાન બંધ કરવાની નોટિસ મળી

Back to top button