અડાણી ગ્રુપ કચ્છમાં કરશે ₹1.5 લાખ કરોડનું રોકાણ: ગુજરાતને આપશે મોટો બુસ્ટ

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: અડાણી સમૂહ આગામી પાંચ વર્ષમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં 1.5 લાખ કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કરવાની યોજના ધરાવે છે. પોર્ટ્સ, લોજિસ્ટિક્સ, માઇનિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આ સમૂહે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં રોકાણ વધારવાનો નિર્ણય લીધો છે.
અડાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અડાણીએ રવિવારે રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “અમે અમારી ખવડા પ્રોજેક્ટ પૂર્ણ કરીને 2030 સુધીમાં 37 ગીગાવોટની સંપૂર્ણ ક્ષમતા ચાલુ કરી દઈશું. આ ઉપરાંત મુંદ્રામાં અમારી બંદર ક્ષમતાને આગામી 10 વર્ષમાં બમણી કરીશું.”
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત બન્યું આશાનું કિરણ
કરણ અડાણીએ વધુમાં જણાવ્યું કે, “વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતા અને વિભાજનનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત આશાની કિરણ તરીકે ઉભરી રહ્યું છે. અહીં લગભગ 8%નો વિકાસ દર છે, ઉત્પાદન આધાર વધી રહ્યો છે અને દેશ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે.”
ગુજરાતનું યોગદાન અને કચ્છનું પરિવર્તન
તેમણે કહ્યું કે ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિકસિત અને જોડાયેલા રાજ્યોમાંનું એક છે. આ રાજ્ય દેશની જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપે છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં 17% હિસ્સો ધરાવે છે, દેશના 40% કાર્ગોને પોતાના બંદરો દ્વારા હેન્ડલ કરે છે અને રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર છે.
ગુજરાતની અંદર કચ્છ પરિવર્તનનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું છે. એક સમયે દૂરસ્થ અને પડકારજનક માનવામાં આવતો આ વિસ્તાર આજે ભારતના સૌથી વ્યૂહાત્મક ઔદ્યોગિક, લોજિસ્ટિક્સ અને ઊર્જા કેન્દ્રોમાંનું એક બની ગયું છે.
વિકસિત ભારત 2047માં ગુજરાતની ભૂમિકા
કરણ અડાણીએ કહ્યું કે, “જેમ ભારત વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યું છે, તેમ ગુજરાત આ રાષ્ટ્રીય પરિવર્તનનો આધારસ્તંભ બની રહેશે. અડાણી સમૂહ એક મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સન્માનવાળા ભારતના નિર્માણમાં વિશ્વસનીય ભાગીદાર બની રહેવા માટે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે.”
આ રોકાણથી કચ્છ જિલ્લામાં હજારો રોજગારીની તકો ઉભી થશે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ મળશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આ રિજનલ કોન્ફરન્સમાં આ જાહેરાતે રાજ્યના ઉદ્યોગ અને વેપાર વર્ગમાં નવો ઉત્સાહ જગાવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદના 15 વિદ્યાર્થીઓએ બનાવ્યો સેટેલાઈટ, ઈસરો આજે લોન્ચ કરશે, જાણો શું છે તેની ખાસિયત












