જામનગર જિલ્લાના 23 લાભાર્થીઓને કાલે પીએમ મોદીના હસ્તે મળશે ઘરનું ઘર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી 61805 આવાસોનું ઇ- લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના 23 આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જે પૈકી 09 એવા આવાસની પસંદગી કરવામાં આવી છે, કે જેના ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી, બનાસકાંઠા ખાતેથી જીવંત પ્રસારણ થશે. આ જીવંત પ્રસારણ માટે 33 જિલ્લા પૈકી ૧૦ જિલ્લાને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લાના 14 ગામડાઓનો સમાવેશ, બે લાભાર્થીઓ સાથે કરશે સંવાદ
જામનગર જિલ્લાના ૧૪ ગામડાઓમાં ૨૩ આવાસોનું આવતીકાલે વડાપ્રધાન ઇ-લોકાર્પણ કરી ૯ ગામડાઓમાં થતી પ્રવૃતિઓને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળશે. તેમજ જામનગર જિલ્લાના જાંબુડા ગામે રહેતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ જ્યોત્સનાબા સબરવસિંહ ઝાલા તથા નારણભાઈ સુરાભાઈ રાતડીયા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંબાજી ખાતેથી આવતીકાલ તા.30 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે સીધો સંવાદ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકાર દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રમદાન, જાહેર સ્થળોની સફાઈ, જળાશયો/અમૃત સરોવરો, મંદિરોની આસપાસ કચરાની સફાઈ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન, ભજન મંડળીઓ, લાઇટિંગ, સ્વચ્છતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, શેરી નાટક, ભવાઈ, સ્થાનિક મહિલાઓ દ્વારા લોકગીત પ્રસ્તુતિનું આયોજન, વૃક્ષારોપણ, તોરણ/ફૂલોથી સુ-શોભન તેમજ ઘર આંગણે રંગોળી વગેરે જેવી વિવિધ પ્રવૃતિઓ સામેલ છે.
કાલે 15000 આવાસોનું અંબાજી ખાતેથી લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે અંબાજી ખાતેથી કુલ રૂ,1967 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ૧૫૦૦૦ આવાસોનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ૩૧૫૫૫ આવાસોનું લોકાર્પણ તેમજ ૭૯૨ આવસોનું ખાતમુહૂર્ત કરશે. પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના 30૨૬ આવસોનું લોકાર્પણ તેમજ ૩૮૮૮ આવાસોનું ખાતમહૂર્ત કરશે. ડૉ.આંબેડકર આવાસ યોજનાના ૧૭૪૩ આવાસોનું લોકાર્પણ તેમજ ૨૧૫૩ આવાસોનું ખાતમુહૂર્ત, આદિજાતિ વિભાગના ૧૪૦૦ આવાસોનું લોકાર્પણ તેમજ ૧૮૦૦ આવાસોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ૪૪૮ આવાસોનું લોકાર્પણ કરશે. જેના થકી ૬૦હજારથી વધુ લાભાર્થીઓને પોતાનું ઘર મળશે.












