વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને જીન્સ પહેરવી ભારે પડી, પહેલા દંડ અને પછી ટૂર્નામેન્ટમાંથી બહાર
ન્યુયોર્ક, 28 ડિસેમ્બર: નોર્વેના સુપરસ્ટાર ચેસ પ્લેયર અને પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને જીન્સ પહેરવી ભારે પડી છે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ના ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરીને જીન્સ પહેરવા બદલ ખેલાડીને પહેલા તો દંડ ફટકારવામાં આવ્યો હતો અને બાદમાં તેને વર્લ્ડ રેપિડ અને બ્લિટ્ઝ ચેસ સ્પર્ધામાંથી બહાર કરવામાં આવ્યો હતો.
OOTD pic.twitter.com/9reOP6zuJv
— Magnus Carlsen (@MagnusCarlsen) December 28, 2024
કાર્લસને કપડાં બદલવાની વિનંતીનું પાલન કરવાનો ઇનકાર કર્યો
ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લસનને જીન્સ પહેરવા બદલ 200 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટના નિયમો અનુસાર, જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. જ્યારે મેગ્નસ કાર્લસને તરત જ તેના કપડાં બદલવાની વિનંતીનું પાલન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. તે બીજા દિવસે ડ્રેસ કોડનું પાલન કરવા માટે સંમત થયો પરંતુ કહ્યું કે, તે તરત જ બદલશે નહીં. FIDEએ એક નિવેદનમાં કહ્યું કે, “ડ્રેસ કોડના નિયમો ખેલાડીઓને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા હતા.“
FIDEએ આ મામલે શું કહ્યું?
FIDEએ કહ્યું કે, “ડ્રેસ કોડના નિયમો FIDE પ્લેયર્સ કમિશનના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં વ્યાવસાયિક ખેલાડીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ નિયમો વર્ષોથી અમલમાં છે અને બધા સહભાગીઓ તેનાથી સારી રીતે વાકેફ છે. તેમને દરેક ટૂર્નામેન્ટ પહેલા આ વિશે જાણ કરવામાં આવે છે. FIDE એ પણ સુનિશ્ચિત કરે છે કે, રમતવીરોનું રહેવાનું આયોજન સ્થળની પૂરતી નજીક હોય જેથી તેઓ નિયમોનું પાલન કરી શકે.
FIDE દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, “આજે મેગ્નસ કાર્લસને જીન્સ પહેરીને ડ્રેસ કોડનું ઉલ્લંઘન કર્યું છે. લાંબા સમયથી ચાલતા નિયમોમાં સ્પષ્ટ છે કે જીન્સ પહેરવાની મંજૂરી નથી. મુખ્ય આર્બિટ્રેટરે કાર્લસનને આ વિશે કહ્યું અને 200 ડોલરનો દંડ ફટકાર્યો. તેને તેના કપડા બદલવા માટે વિનંતી કરવામાં આવી, જે તેણે કર્યું નહીં. આ કારણે તેને ગેરલાયક ઠેરવવો પડ્યો હતો.
આ પહેલા રશિયાના ગ્રાન્ડમાસ્ટર ઈયાન નેપોમ્નિયાચીએ પણ આ નિયમનો ભંગ કર્યો હતો પરંતુ તે કપડાં બદલીને પાછો આવી ગયો હતો અને તેથી તેને બહાર કરવામાં આવ્યો ન હતો. આ દરમિયાન, કાર્લસને કહ્યું કે તે બ્લિટ્ઝ ક્લાસમાં ભાગ લેશે નહીં કારણ કે તે FIDEની ડ્રેસ કોડ નીતિથી કંટાળી ગયો છે. તેણે નોર્વેની મીડિયાને કહ્યું કે, “હું FIDEથી કંટાળી ગયો છું અને હવે સહન કરી શકતો નથી. હું દરેકની માફી માંગવા માંગુ છું. આ એક ખૂબ જ હાસ્યાસ્પદ નિયમ છે. હું કાલે મારા કપડાં બદલી શક્યો હોટ, પરંતુ તેઓ સાંભળવા તૈયાર નહોતા.”
આ પણ જૂઓ: સચિન તેંડુલકરને મોટું સન્માન આપવામાં આવ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે જાહેરાત












