ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિરમગામમાં ફોર લેન હાઈવે માટે મેગા ડિમોલિશન, 4000 ચો.મી. જમીન ખાલી કરાઈ

Viramgam demolition: અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે નંબર-17 (વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ)ને ફોર લેન બનાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સોમવારે વહેલી સવારે મોટા પાયે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની હાજરીમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ત્રણ દરગાહ, છથી સાત દુકાનો તેમજ કબ્રસ્તાનના કેટલાક ભાગમાં આવેલા અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીના પરિણામે અંદાજે 4,000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી છે. તેમાં આશરે 1,200 ચોરસ મીટર ખાનગી જમીન અને 2,300 ચોરસ મીટર કબ્રસ્તાન વિસ્તારની જમીનનો સમાવેશ થાય છે.

ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા દૂર થશે

વિરમગામ શહેરના પ્રવેશદ્વાર પાસે આવેલા ગંગાસર તળાવ નજીકનો વિસ્તાર લાંબા સમયથી ટ્રાફિક અવરોધ (બોટલનેક) માટે જાણીતો હતો. શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનોને અહીં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હાઈવેને ચાર લેનમાં વિસ્તૃત કરવાની યોજનાના ભાગરૂપે આ અવરોધો દૂર કરવામાં આવ્યા છે.

બે મહિનાની તૈયારી બાદ કાર્યવાહી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી માટે છેલ્લા બે મહિનાથી આયોજન કરવામાં આવી રહ્યું હતું. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ વિવાદ ન સર્જાય તે માટે સ્થાનિક આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે અનેક તબક્કે ચર્ચાઓ કરવામાં આવી હતી. જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

550થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

કાર્યવાહી દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને 550થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. બંદોબસ્તમાં એક DYSP, 15 પોલીસ ઇન્સ્પેક્ટર તથા SRPFની બે કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિરમગામ અને આસપાસના વિસ્તારોમાંથી પણ પોલીસ દળોને બોલાવવામાં આવ્યા હતા. અતિક્રમણ દૂર કરવા માટે અનેક JCB મશીનો, એક્સકેવેટર અને ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શું કહ્યું અધિકારીઓએ?

વિરમગામના SDM વિરેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, વિરમગામના પ્રવેશદ્વાર પાસે લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા હતી. આ વિસ્તારમાં ત્રણ દરગાહ સહિત અન્ય અતિક્રમણો આવેલા હતા. ખાનગી જમીનનું કાયદેસર સંપાદન કરીને જમીન માલિકોને વળતર ચૂકવવામાં આવ્યું છે અને હવે પ્રોજેક્ટ માટે જમીનનો કબજો લેવામાં આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિરમગામને વધુ સારા માર્ગ જોડાણ સાથે જોડવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. હાલના બે લેનના માર્ગને ચાર લેનમાં પરિવર્તિત કરવાની કામગીરી ચાલી રહી છે. લાંબી તૈયારી અને સંકલન બાદ આજે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે.

ફોર લેન પ્રોજેક્ટથી મળશે મોટો લાભ

સ્ટેટ હાઈવે-17 અમદાવાદને સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ રાજકોટ-ચોટીલા જેવા મહત્વના વિસ્તારો સાથે જોડે છે. માર્ગના વિસ્તરણ બાદ વિરમગામ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ઘટશે, વાહન વ્યવહાર વધુ સરળ બનશે અને વેપાર, ઉદ્યોગ તેમજ પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાનગી જમીન ધારકોને અંદાજે 62 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ કાર્યવાહી

સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંવેદનશીલતા અને સાવચેતી સાથે કામગીરી હાથ ધરાતા સમગ્ર અભિયાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસની રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી, 4 થી 12 જૂન સુધી તાલુકા સ્તરે ઉગ્ર વિરોધ પ્રદર્શન

Back to top button