ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સનું સપનું રોળાયું, ટ્રાયલ્સમાં મીનાક્ષી ગોયત સામે થઈ હાર

Vinesh Phogat: ભારતીય કુસ્તીમાં (Indian Wrestling) શનિવારે (30 મે) એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત એશિયન ગેમ્સ ટ્રાયલ્સની સેમિફાઇનલમાં દિગ્ગજ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને (Vinesh Phogat) કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મહિલાઓની 53 કિલો ગ્રામ વજન કેટેગરીના મુકાબલામાં યુવા રેસલર મીનાક્ષી ગોયતે (Meenakshi Goyat) વિનેશને 6-4 થી હરાવી દીધી છે. આ હારની સાથે જ વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સ 2026 માં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું ચૂર-ચૂર થઈ ગયું છે. જો કે, મેચ પૂરી થયા બાદ વિનેશે આપેલી પ્રતિક્રિયા (રિએક્શન) હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે.

મેચમાં હાર્યા બાદ તરત જ વિનેશ ફોગાટ મેટ (મેદાન) ની બહાર ચાલી ગઈ હતી, પરંતુ થોડી જ ક્ષણોમાં તે પાછી આવી હતી. તેણે ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પ્રમુખ સંજય સિંહ તરફ ઈશારો કરીને પડકાર ફેંકતા કહ્યું કે, ‘હું પાછી આવીશ’ (I will be back). વિનેશનું આ આક્રમક રિએક્શન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

યુવા પહેલવાન મીનાક્ષી સામે ન ચાલ્યો વિનેશનો અનુભવ

મેચની વાત કરીએ તો, યુવા કુસ્તીબાજ મીનાક્ષીએ શરૂઆતથી જ વિનેશ સામે અત્યંત આક્રમક રમત બતાવી હતી. તેણે સ્ટાર રેસલર વિનેશને સંભાળવાની એક પણ તક ન આપી અને સતત પોઇન્ટ્સ મેળવતી રહી. વિનેશ ફોગાટે પોતાના બહોળા અનુભવના જોરે મેચમાં વાપસી કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવા પહેલવાને દબાણ જાળવી રાખ્યું અને અંતે 6-4 થી બાજી મારી લીધી હતી.

મીનાક્ષીની આ જીત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. તેણે કિર્ગિસ્તાનના બિશકેકમાં યોજાયેલી 2026 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ (રજત પદક) જીતીને પોતાની તાકાત બતાવી દીધી હતી. હવે એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટ જેવી દિગ્ગજ ખેલાડીને હરાવીને તેણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારતીય મહિલા કુસ્તીમાં નવી પેઢી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.

WFI સાથે કાનૂની લડાઈ જીત્યા બાદ ટ્રાયલ્સમાં ઉતરી હતી વિનેશ

ઉલ્લેખનીય છે કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સતત વિનેશ ફોગાટની એન્ટ્રીનો વિરોધ કરી રહ્યું હતું. મહાસંઘે દિલ્હી હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં વિનેશને ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અંતે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ જ વિનેશ માટે ટ્રાયલ્સમાં ઉતરવાનો રસ્તો સાફ થયો હતો.

ત્રણ વખત ઓલિમ્પિક રમી ચૂકેલી વિનેશ ફોગાટ પહેલા 57 કિલોગ્રામ કેટેગરીમાં વાપસી કરવાની તૈયારી કરી રહી હતી. તેણે ઉત્તર પ્રદેશના ગોંડામાં આયોજિત સિનિયર ઓપન રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ ત્યાં પણ WFI એ તેને રમવાની મંજૂરી આપી નહોતી. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો અને લાંબી કાનૂની લડાઈ બાદ વિનેશને ન્યાય મળ્યો હતો. બીજી તરફ, રમતગમતના જાણકારોના મતે વિનેશ ફોગાટ માટે આ હાર માત્ર એક મેચ પૂરતી મર્યાદિત નથી. વિનેશ છેલ્લા કેટલાક વર્ષોથી રમત કરતાં વિવાદો અને આંદોલનોના કારણે વધુ હેડલાઇન્સમાં રહી છે, તેથી આ હાર તેના કરિયર માટે બહુ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ, જો મેચ ધોવાઈ જશે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન?

આ પણ વાંચોઃ VIDEO: માણેકચોકમાં ધોળે દિવસે 5.50 લાખની ચોરી, કર્મચારીની બેગમાંથી રોકડ સેરવી ગઠિયો ફરાર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button