IPL 2026 RR vs LSG: IPL 2026માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની અસાધારણ ક્ષમતા સાબિત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં વૈભવે માત્ર 38 બોલમાં 10 છગ્ગાની મદદથી 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે શાનદાર જીત અપાવી છે. 221 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે આ વિજય આસાન બનાવી દીધો હતો, જેમાં વૈભવ સૂર્યવંશી રીતસરનો મેચ વિનર સ્ટાર સાબિત થયો હતો.
આકાશ સિંહની ઓવરમાં 26 રન અને 23 બોલમાં ફિફ્ટી
લખનઉએ આપેલા 221 રનના ટાર્ગેટ સામે રાજસ્થાનને આક્રમક શરૂઆતની જરૂર હતી. કેપ્ટન યશસ્વી જયસ્વાલ (43 રન) અને વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વિકેટ માટે માત્ર 39 બોલમાં 75 રનની ભાગીદારી નોંધાવી હતી. પાવરપ્લેમાં જયસ્વાલ આઉટ થયા બાદ વૈભવે ઇનિંગ સંભાળી હતી. મેચની 9મી ઓવરમાં વૈભવે આકાશ સિંહના બોલ પર 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેણે માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ત્યારબાદ પ્રિન્સ યાદવ અને મયંક યાદવની ઓવરોમાં વધુ 4 છગ્ગા ફટકારી તે સદી તરફ આગળ વધ્યો હતો, પરંતુ કમનસીબે 93 રનના સ્કોર પર મોહસીન ખાનના ધીમા બોલ પર કેચ આઉટ થતાં તે સદીથી માત્ર 7 રન દૂર રહી ગયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ધ્રુવ જુરેલની ફિફ્ટી અને પ્લેઓફનું ગણિત
વૈભવ સૂર્યવંશી આઉટ થયા બાદ પણ રાજસ્થાનને જીત મેળવવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 37 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી ટીમને વિજય અપાવ્યો હતો. આ મહત્વપૂર્ણ જીત સાથે રાજસ્થાન રોયલ્સ હવે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. રાજસ્થાન હવે પ્લેઓફમાં ક્વોલિફાય થવાથી માત્ર એક જીત દૂર છે. આગામી મેચમાં જો રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઇન્ડિયન્સને હરાવશે, તો તે 16 પોઈન્ટ સાથે સત્તાવાર રીતે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરી લેશે.
આ પણ વાંચો: IPL 2026: મારું શરીર નબળું પડી ગયું છે, 2027માં રમવાને લઈને મળેલા ધોનીના જવાબે ફેન્સનું દિલ તોડ્યું











