
Vadodara Crime News: વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતી મૂળ રાજસ્થાનની 17 વર્ષની સગીરાના અપહરણનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આરોપ છે કે અજમેરનો રહેવાસી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ સગીરાને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી અપહરણ કરીને અલગ-અલગ રાજ્યોમાં લઈ ગયો હતો. એટલું જ નહીં, સગીરાના પરિવાર પાસેથી તેની મુક્તિના બદલામાં રૂ.1 લાખની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી. અકોટા પોલીસે લાંબી તપાસ અને સંકલિત કાર્યવાહી બાદ રાજસ્થાનમાંથી સગીરાને હેમખેમ છોડાવી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી પોલીસના હાથમાંથી ફરાર થઈ ગયો છે.
માહિતી મુજબ, સગીરા તેના સંબંધીઓના ઘરે રહેવા માટે વડોદરા આવી હતી. આ દરમિયાન અગાઉથી પરિચિત સલીમને તેની હાજરીની જાણ થતાં તે રાજસ્થાનથી વડોદરા પહોંચ્યો હતો. આરોપીએ સગીરાને મળવાના બહાને બોલાવી અને ત્યારબાદ તેનું અપહરણ કરી લીધું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
અપહરણ બાદ આરોપી સગીરાને સતત સ્થળ બદલાવીને પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને અંતે રાજસ્થાન લઈ ગયો હતો, જેથી પોલીસ તેના સુધી સરળતાથી પહોંચી ન શકે. તપાસ દરમિયાન આરોપીએ સગીરાના કિંમતી ઘરેણાં અને મોબાઇલ ફોન પણ વેચી નાખ્યા હોવાનો આરોપ છે.
આ દરમિયાન આરોપીએ સગીરાની માતા સાથે સંપર્ક કરીને દીકરીને છોડાવવાના બદલામાં રૂ.1 લાખની ખંડણીની માંગ કરી હતી. સાથે જ રૂપિયા નહીં આપે તો દીકરીને નુકસાન પહોંચાડવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ સગીરાની માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી રાજસ્થાનમાં હોવાની માહિતી મળતાં અકોટા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. પોલીસ સગીરા સુધી પહોંચી ગઈ હતી અને તેને સુરક્ષિત રીતે કબજામાં લઈ લીધી હતી. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રિક્ષામાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો.
ઝોન-2ના ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની શરૂઆત રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી થઈ હતી. શરૂઆતમાં સગીરાની માતાએ અજમેર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ‘ઝીરો એફઆઈઆર’ મારફતે કેસ રેલવે પોલીસ સુધી પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘટના વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતી હોવાનું સ્પષ્ટ થતાં કેસ અકોટા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ભોગ બનનાર સગીર વયની છે અને તેને લલચાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. આ આધારે આરોપી સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હવે સગીરાનું કાયદેસર નિવેદન નોંધ્યા બાદ જો તેમાં જાતીય શોષણ અથવા દુષ્કર્મ અંગેની હકીકતો સામે આવશે તો આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના સંબંધિત ગુનાઓ પણ ઉમેરવામાં આવશે.
પોલીસે મુખ્ય આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેની શોધખોળ ચાલી રહી છે. સાથે જ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસનું કહેવું છે કે સગીરાને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી છે અને હવે તેના નિવેદનના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: જજ પોક્સો કેસનો ચુકાદો વાંચી રહ્યા હતા, ત્યાં જ બે દોષિત આરોપીઓ કોર્ટમાંથી ગાયબ












