ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરાની માંજલપુર પેટાચૂંટણી: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, 2.19 લાખ મતદારો મતદાન કરશે

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં 2.19 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે કુલ 260 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે મતગણતરી 3 ઓગસ્ટે હાથ ધરાશે.

હવામાન વિભાગે આજે વડોદરા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું હોવાથી વરસાદ મતદાનની ટકાવારીને કેટલી અસર કરશે તેના પર સૌની નજર છે.

પહેલીવાર ‘મોબાઇલ ડિપોઝિશન સેન્ટર’ની વ્યવસ્થા

ચૂંટણી પંચે આ વખતે મતદારોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત મતદાન મથકો પર ‘મોબાઇલ ડિપોઝિશન સેન્ટર’ની વ્યવસ્થા કરી છે. મતદાન પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ 260 મતદાન મથકો પર કુલ 520 કેમેરા દ્વારા 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ કેમેરાનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમથી કરવામાં આવી રહ્યું છે.

1400થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે 286 પ્રિસાઇડિંગ ઓફિસર, 858 પોલિંગ ઓફિસર અને 286 પ્યુન સહિત ચૂંટણી સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ 1400થી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ચૂંટણી જંગ છે. રસપ્રદ બાબત એ છે કે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ પોતે આ બેઠક પર મતદાન કરી શકશે નહીં, કારણ કે તેઓ છાણી ગામના મતદાર છે અને માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં તેમનું નામ મતદાર યાદીમાં નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી જોવા મળશે ચોમાસાનું રૌદ્ર સ્વરુપ, આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની ભીતિ

Back to top button