‘લિવ-ઇનમાં ન રહો, હું આદેશ આપું છું…’ રાજ્યપાલ આનંદીબેન પટેલનું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશ: 8 ઓક્ટોબર, 2025: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે વારાણસીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લિવ-ઇન રિલેશનશિપ પર મોટું નિવેદન આપ્યું છે. વિદ્યાર્થિનીઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, લિવ-ઇનમાં રહેવું સમાજ માટે યોગ્ય નથી અને તેનાથી અનેક કાયદાકીય તથા સામાજિક સમસ્યાઓ પેદા થાય છે.
‘લિવ-ઇનનું પરિણામ જોવું હોય તો અનાથાશ્રમ જાવ’
રાજ્યપાલે પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘હું વિદ્યાર્થિનીઓને કહીશ કે લિવ-ઇનમાં ન રહો. મેં એવા ઘણા કિસ્સા જોયા છે, જ્યાં લિવ-ઇનમાં રહેતા લોકો ખોટા કામ કરીને ભાગી જાય છે. આવા સંબંધોના કારણે ઘણીવાર મહિલાઓ હિંસા અને માનસિક ઉત્પીડનનો ભોગ બને છે.’
તેમણે લિવ-ઇન રિલેશનશિપના પરિણામો સમજાવતા કહ્યું કે, ‘લિવ-ઇન રિલેશનનું પરિણામ જોવું હોય તો તમે અનાથાશ્રમ જઈને જુઓ. 15થી 20 વર્ષની દીકરીઓ 1-1 વર્ષનું બાળક લઈને લાઇનમાં ઊભી રહેલી જોવા મળે છે.’
નૈતિક રીતે યોગ્ય નથી, હું આદેશ કરું છું – ન કરો લિવ-ઇન
રાજ્યપાલ પટેલે કહ્યું કે, મેં 50-50 ટુકડા કરીને બીમમાં ભરવા સુધીની દર્દનાક ઘટનાઓ જોઈ છે, જે સાંભળીને તેમને ઘણું કષ્ટ થાય છે. સમાજને આ બાબતોમાંથી બોધપાઠ લેવા અને યુવા પેઢીને સમજવું જોઈએ કે, આવા સંબંધો ન તો નૈતિક રીતે યોગ્ય છે, ન તો સુરક્ષિત.
આનંદીબેન પટેલે જણાવ્યું કે, તેમને પોક્સો (POCSO) એક્ટની જોગવાઈઓ વિશે એક જજે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઘણીવાર આવા ગુનાઓમાં સગીર છોકરીઓ પણ સામેલ હોય છે, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમણે વિદ્યાર્થિનીઓને સખત આદેશ આપતા કહ્યું: ‘એટલે હું આદેશ કરું છું – ન કરો લિવ-ઇન’
આ પણ વાંચોઃ 6 બૉલ પર 48 રન… 21 વર્ષના બેટરનો અદ્ભૂત દેખાવ, બે વર્ષ પહેલાં બનેલો રેકોર્ડ હજુય કાયમ
આ પણ વાંચોઃ સંબંધોને શર્મસાર કરતો કિસ્સોઃ સાસુના પ્રેમમાં પાગલ જમાઈએ કરી પત્નીની હત્યા












