UPમાં ગજબ કેસઃ ભેંસોની લડાઈ બન્યું વર્ચસ્વનું યુદ્ધ, લાકડી-દંડાથી થયો હુમલો

ઉત્તર પ્રદેશ: 24 સપ્ટેમ્બર, 2025: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે ભેંસોની લડાઈને કારણે તેમના માલિકો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. આ લડાઈ એટલી હદે વધી ગઈ કે એક પક્ષે બીજા પક્ષ પર જીવલેણ હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલાઓ અને બાળકો સહિત બધાને જમીન પર પટકી-પટકીને મારવામાં આવી રહ્યા છે.
આ હુમલામાં લાતો, મુક્કાઓ અને લાકડીઓનો બેફામ ઉપયોગ થયો. આ મારામારીમાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ઘટના કાલિંજર પોલીસ સ્ટેશન વિસ્તારના નૌગવા ગામની હોવાનું કહેવાય છે.
ભેંસોની લડાઈથી મામલો વણસ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને પક્ષના લોકો એકબીજાને ક્રૂરતાપૂર્વક મારી રહ્યા છે. આ મારામારીનું કારણ માત્ર એટલું જ હતું કે બંને પક્ષની ભેંસો લડી પડી હતી. મળતી માહિતી મુજબ, ભેંસોની લડાઈ બાદ એક પક્ષે બીજા પક્ષ પર તેની દીકરીને માર મારવાનો આરોપ લગાવીને ઠપકો આપવા ગયા હતા. ત્યાર બાદ, બીજા પક્ષે તેમના પરિવાર પર હુમલો કરી દીધો અને ગંભીર મારામારી કરી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.
પ્રેમ લગ્ન પણ કારણભૂત?
હુમલાનો ભોગ બનેલા પક્ષનો આરોપ છે કે, આરોપી પક્ષ તેમની સાથે જૂની અદાવત રાખતો હતો. આરોપીની દીકરીએ મારા દીકરા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, જેના કારણે તેઓ અમારાથી નારાજ હતા અને ભેંસોની લડાઈનું બહાનું શોધીને હુમલો કરી દીધો. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે પુરૂષો મહિલાઓ અને દીકરીઓના વાળ ખેંચીને તેમને જમીન પર પટકીને મારી રહ્યા છે. મહિલાઓ પણ આ મારામારીમાં સામેલ છે.
પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટનાનો વીડિયો ધ્યાનમાં લેવામાં આવ્યો છે અને થાણા પ્રભારીને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.












