ઉન્નાવ દુષ્કર્મ કેસ: જંતર-મંતર પર પીડિતાનો ન્યાય માટે પોકાર, કુલદીપ સેંગરના સમર્થનમાં ઉતરેલી મહિલાને લઈ ભારે હોબાળો

નવી દિલ્હી: 28 ડિસેમ્બર, 2025: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી હાઇકોર્ટના તાજેતરના નિર્ણય વિરુદ્ધ પીડિતા તેની માતા સાથે આજે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી હતી. ભારે ભીડ વચ્ચે લોકોએ કોર્ટના આદેશનો વિરોધ કર્યો અને દોષિત કુલદીપ સેંગર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, આ પ્રદર્શન દરમિયાન ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક મહિલા અચાનક રેપના આરોપી પૂર્વ ભાજપ નેતા સેંગરના સમર્થનમાં પ્લેકાર્ડ લઈને આવી પહોંચી હતી.
કોણ હતી સેંગરના સમર્થનમાં આવેલી મહિલા?
કુલદીપ સેંગરના પક્ષમાં ઉતરેલી આ એકમાત્ર મહિલા પ્રદર્શનકારીની ઓળખ હવે સામે આવી છે. તે મહિલા અન્ય કોઈ નહીં પણ ‘પુરૂષ આયોગ’ની અધ્યક્ષ બરખા ત્રેહાન હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન પીડિતાના સમર્થકો અને બરખા ત્રેહાન સાથે આવેલા પુરુષ આયોગના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ હતી.
સામાજિક કાર્યકર યોગિતા ભયાનાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “કુલદીપ સેંગરના પક્ષમાં માત્ર એક જ મહિલા સામે આવી છે. મને લાગે છે કે તે માનસિક રીતે અસ્થિર છે અને તેને સારવારની જરૂર છે. સેંગર એક સજા પામેલો બળાત્કારી છે અને અમે તેને મળેલી જામીન તથા સજાના મોકૂફીના વિરોધમાં અહીં છીએ.” તેમણે ચિંતા વ્યક્ત કરી કે આ પ્રકારના કૃત્યો પીડિતાના મનોબળને તોડનારા છે.
સુપ્રીમ કોર્ટમાં હવે શું થશે?
ઉન્નાવ દુષ્કર્મ કેસનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે, સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. સોમવારે આ કેસમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. ભારતની સુપ્રીમ કોર્ટની કાર્યસૂચિ મુજબ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ અગસ્ટિન જ્યોર્જ મસીહની ત્રણ સભ્યોની વેકેશન બેન્ચ આ મામલે સુનાવણી કરશે.












