ગુજરાતટ્રેન્ડિંગ

ઈડરમાં વ્યાજખોરોના ત્રાસથી બે લોકોએ જીવ ગુમાવ્યા : પિતાએ પુત્ર સાથે કૂવામાં જંપલાવી કર્યો આપઘાત

સાબરકાંઠા, ૨૮ જૂન, ૨૦૨૫: સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક પરિવાર વિખેરાઈ ગયો છે. ઇડર તાલુકાના ફીંચોડ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતા અને તેમના નાનકડાં દીકરાએ મોતને વ્હાલું કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પિતાએ દીકરાને કૂવામાં નાખી પોતે પણ મોતની છલાંગ લગાવી.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને માનસિક તાણમાં આવીને પોતાના 5 વર્ષીય દીકરો જિયાનને કૂવામાં નાખ્યા પછી પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો. બંનેના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા અને મૃત જાહેર કરવામાં આવ્યા. કૂવામાં ડૂબી જતા 38 વર્ષીય પિતા કનુ નાઈ અને તેમના 5 વર્ષીય દીકરા જિયાનનું મોત થયું છે.

કનુ નાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. તેમણે લખેલી ચિઠ્ઠીથી સ્પષ્ટ થાય છે કે તેમણે વ્યાજખોરોના ત્રાસને લીધે જીવન ટૂંકાવ્યું છે. તેઓ વ્યાજખોરોની સતત હેરાનગતિ અને ધમકીથી ત્રાસી ગયા હતા. કનુ નાઈએ સુસાઇડ નોટમાં લખ્યા અનુસાર, તેમને વ્યાજે પૈસા લીધા હતા અને રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો તેમને પરેશાન કરી રહ્યા હતા. વ્યાજખોરો તેમના વ્યાજ પર વ્યાજ ચઢાવીને ચક્રવૃદ્ધિ વ્યાજ લઈ રહ્યા હતા. સુસાઇડ નોટમાં તેઓએ જે લોકો તેમને પરેશાન કરી રહ્યા એ બધાના નામ પણ લખ્યા છે.

Back to top button