Today Weather: ગુજરાતમાં ઠંડીની શરૂઆત જાણો કયું શહેર રહ્યું સૌથી ઠંડુ
અમદાવાદ, તા. 9 નવેમ્બર, 2025: રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે પ્રદેશના બાકીના ભાગોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો ન હતો.
આ સમયગાળા દરમિયાન, રાજ્યનું સરેરાશ તાપમાન 22.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જેમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે બંને તાપમાન સામાન્ય કરતાં અનુક્રમે 3.2 અને 3.4 ડિગ્રી નીચે રહ્યા હતા.
અમદાવાદમાં ઠંડીમાં વધારો જારી રહેતાં 14.7 ડિગ્રી સરેરાશ લઘુતમ નાપમાન નોંધાયું હતું. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે. અમદાવાદમાં ગત રાત્રિએ 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અગાઉ 2023માં 15.6, 2024માં 15.7 સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપુમાન હતું. 29 નવેમ્બર 2012ના રોજ 13 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.
સમગ્ર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું કે નોંધપાત્ર રીતે નીચું નોંધાયું હતું, જેણે રાજ્યમાં શિયાળાની શરૂઆતનો અહેસાસ કરાવ્યો હતો ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અન્ય મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયા અને વડોદરામાં 16 ડિગ્રી, અમરેલી અને રાજકોટમાં 16 ડિગ્રી, ડીસા અને કેશોદમાં 17 ડિગ્રી, સુરેન્દ્રનગર અને મહુવામાં 18 ડિગ્રી, અને ભુજ, ભાવનગર તથા સુરતમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.












