વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદવાદ બાદ હવે વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા તાત્કાલિક કલેક્ટર કચેરીએ પહોંચી સુરક્ષા વધારી દીધી છે. વડોદરા કલેકટર કચેરીમાં અરજદારોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને સમગ્ર કલેક્ટર કચેરીમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને લઈ પોલીસ દ્વારા હાલ લોકોને કલેક્ટર કચેરીમાં ન જવા માટે સૂચના આપી છે અને સઘન સુરક્ષા પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે DCP મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, મેલ મળતા જ પોલીસની તમામ ટીમો કલેક્ટર કચેરી પહોંચી ગઈ હતી. કલેક્ટર કચેરીની અંદર અને બહાર ચેકિંગ કરવામાં આવ્યું પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વહેલી સવારે 6 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો હતો. ગઈકાલે અમદાવાદમાં મેલ મળ્યો તેનું કનેકશન છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ અમદાવાદ, ગાંધીનગર, કલોલ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી નામાંકિત સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મોકલતા ભારે દોડધામ મચી હતી. અમદાવાદમાં મોટાભાગની શાળાઓ ખાલી કરાવી દેવામાં આવી હતી. જો કે, વડોદરામાં પહેલા પણ આવી જ રીતે ધમકી આપવામાં આવી હતી. પરતું કચેરીની તપાસ કરતા કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.












