ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

TDS રિફંડ માટે ITR દાખલ કરવામાં સમય મર્યાદા ન હોવી જોઇએ, સંસદીય સમિતિનું સૂચન

નવી દિલ્હી, 22 જુલાઇ, 2025: વ્યક્તિગત કરદાતાઓને કોઇ પણ દંડ વિના નિર્ધારિત તારીખ બાદ આવકવેરા રિટર્ન દાખલ કરીને ટીડીએસ (TDS) રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જોઇએ. નવા આવકવેરા ખરડાની સમીક્ષા કરનારી એક સંસદીય સમિતિએ આવુ સૂચન કર્યુ છે. સંસદીય સમિતિએ એવું પણ સૂચન કર્યું હતું કે ધાર્મિક અને પરોપકારી સંસ્થાઓને આપવામાં આવેલા ગુપ્ત દાનને કર આપવામાંથી મુક્ત રાખવી જોઇએ.

આવકવેરા ખરડો-2025ની સમીક્ષા કરવા માટે ભાજપના સાંસદ બૈજયંત પાંડાની આગેવાની હેઠળ લોકસભા પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. પાંડાએ સોમવારે લોકસભામાં સમિતિનો 4,575 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો. સમિતિએ આવકવેરા ખરડો, 2025માં ફેરફારોની ભલામણ કરી છે. આ બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે. 31 સભ્યોની સંસદીય સમિતિએ તેના સૂચનમાં કહ્યું છે કે બિન-નફાકારક સંસ્થાઓ (NPOs), ખાસ કરીને સખાવતી અને પરોપકારી હેતુઓ ધરાવતી સંસ્થાઓને ગુપ્ત દાન પર કરવેરા અંગેની અસ્પષ્ટતા દૂર કરવી જોઈએ.

NPOsની રસીદો પર કર લાદવાનો વિરોધ

સમિતિએ બિન-નફાકારક સંસ્થાઓ (NPOs)ની ‘રસીદો’ પર કર લાદવાનો વિરોધ કર્યો હતો કારણ કે તે આવકવેરા કાયદા હેઠળ વાસ્તવિક આવકવેરાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. સૂચનોમાં ‘આવક’ શબ્દ ફરીથી રજૂ કરવાની ભલામણ કરવામાં આવી છે જેથી ખાતરી થાય કે NPOsની ચોખ્ખી આવક પર જ કર લાદવામાં આવે. નોંધાયેલા NPOs દ્વારા પ્રાપ્ત થતા “ગુપ્ત દાનના સંદર્ભમાં નોંધપાત્ર તફાવત” હોવાનું નોંધીને, સમિતિએ ભલામણ કરી કે ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટ બંનેને આવા દાનમાંથી મુક્તિ આપવી જોઈએ.

ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોના સંદર્ભમાં એક નોંધપાત્ર ભૂલ કરવામાં આવી છે: સમિતિ

સમિતિએ કહ્યું, “જ્યારે ખરડાનો જાહેર કરાયેલા ઉદ્દેશ્ય તેને સરળ બનાવવાનો છે, ત્યારે સમિતિને લાગે છે કે ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ભૂલ કરવામાં આવી છે, જેની ભારતમાં NPO ક્ષેત્રના મોટા ભાગ પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર પડી શકે છે.” આવકવેરા ખરડો, 2025ની કલમ 337 તમામ નોંધાયેલા NPOs દ્વારા પ્રાપ્ત થતા ગુપ્ત દાન પર 30 ટકા કર લાદવાનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં ફક્ત ધાર્મિક હેતુઓ માટે સ્થાપિત NPOs માટે મર્યાદિત મુક્તિ છે.

આ પણ વાંચોઃ એશિયન અને અમેરિકન બજારોને પગલે સેન્સેક્સ અને નિફ્ટીનો મજબૂત પ્રારંભ

Back to top button