માલકિને કામવાળીને ગિફ્ટમાં આપ્યું દોઢ કરોડનું ઘર, પછી નોકરાણીએ એ જ ઘરમાં પાડી ધાડ

બેંગલુરુ, 31 ઓકટોબર : કર્ણાટકના બેંગલુરુમાં પોલીસે ચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ એ જ ઘરમાં ચોરી કરી, જે તેની માલકિન તેના નામે કરવાની હતી, પરંતુ મહિલાને ઓનલાઈન સટ્ટાની લત લાગી ગઈ હતી, જેના કારણે તેણે ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના ચોરી લીધા.
ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે તેની પાસેથી 50 લાખ રૂપિયાની કિંમતનું 450 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી જપ્ત કરી છે. મહિલાની ઓળખ મંગલા તરીકે થઈ હતી.
આ મામલો બેંગલુરુના જેપી નગરનો છે, જ્યાં રહેતી 58 વર્ષની આશા જાધવના ઘરે મંગલા કેરટેકર બનીને આવી હતી. તે છેલ્લા 15 વર્ષથી આશાના ઘરે કામ કરી રહી હતી. આશા જાધવ જેપી નગરમાં પોતાના પતિ અને માતા સાથે રહેતી હતી, પરંતુ 25 વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થઈ ગયું. તેમની પાસે કરોડોની પ્રોપર્ટી હતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું.
અલગ-અલગ દેશ લઈ જતી હતી માલકિન
મંગલાએ દસ વર્ષ સુધી આશા જાધવની બીમાર માતાની સંભાળ રાખી. આનાથી આશા જાધવને મંગલા પર વિશ્વાસ બેસી ગયો હતો. તે તેની સંભાળ પોતાની દીકરીની જેમ કરતી હતી. તે તેને જન્મદિવસ મનાવવા માટે અલગ-અલગ દેશોમાં લઈ જતી હતી. એટલું જ નહીં, તેણે મંગલાના નામે જેપી નગરમાં દોઢ કરોડ રૂપિયાનું એક ઘર પણ કરી દીધું હતું, પરંતુ તેની લતે તેને ઘરની માલકિન બનવાને બદલે જેલ પહોંચાડી દીધી.
ઓનલાઈન સટ્ટાના ચક્કરમાં પડીને મંગલાએ પોતાના બધા પૈસા ત્યાં લગાવી દીધા હતા. ત્યાં સુધી કે જે તેનું પોતાનું ઘર હતું, તેને પણ વેચી દીધું હતું. એટલું જ નહીં, ઓનલાઈન સટ્ટામાં પડીને તેણે 40 લાખ રૂપિયાનું દેવું પણ કરી લીધું હતું. જોકે, આશાએ તેનું 40 લાખ રૂપિયાનું દેવું ચૂકવી દીધું હતું અને 5 કરોડની કિંમતનું વસિયતનામું પણ મંગલાના નામે લખી દીધું હતું.
450 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી ગાયબ
મંગલાએ ઓનલાઈન સટ્ટાની લતમાં પડીને આશાના ઘરમાં જ ધાડ પાડી દીધી. તેણે ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના ચોરી લીધા. મંગલાએ કબાટમાંથી ઘરેણાં ચોર્યા અને પછી ચાવીને સૂમસામ જગ્યાએ ફેંકી દીધી જેથી કોઈને ખબર ન પડે. આ પછી, થોડા દિવસો સુધી આશા એવું વિચારતી રહી કે ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. જ્યારે આશાએ દિવાળીના પ્રસંગે ડુપ્લિકેટ ચાવીથી કબાટ ખોલ્યો, ત્યારે ખબર પડી કે 450 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી ગાયબ છે.
મંગલાએ પૂછપરછમાં બધું સત્ય ઓક્યું
આશા જાધવે અજાણ્યા લોકો વિરુદ્ધ સોનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસને મંગલા પર શંકા હતી. જોકે, ત્યારે પણ આશા જાધવ એ વાત માનવા તૈયાર નહોતી કે મંગલાએ તેમના ઘરમાં ચોરી કરી છે. આશાએ પોલીસને કહ્યું કે તેના પર શંકા ન કરો, પરંતુ જ્યારે જેપી નગર પોલીસે મામલાની તપાસ કરી અને મંગલાનો ફોન ચેક કરવામાં આવ્યો, ત્યારે સત્ય સામે આવ્યું. આ પછી પોલીસે મંગલાની કડકાઈથી પૂછપરછ કરી તો તેણે બધું ઓકી દીધું.
ત્યાં સુધી કે, જ્યારે પોલીસે મંગલાની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ આશા જાધવે પોલીસને વિનંતી કરતાં કહ્યું કે, “આપણને સોનું મળી ગયું છે. તેને તેની જિંદગી જીવવા દો અને તેને છોડી દો.” પરંતુ પોલીસે મંગલા વિરુદ્ધ FIR નોંધીને મંગલાની ધરપકડ કરી લીધી. હવે આશા જાધવે મંગલાના નામનું પોતાનું વસિયતનામું રદ કરી દીધું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












