ટેસ્લા મુશ્કેલીમાં: સાયબરટ્રકના સેલ્ફ-ડ્રાઇવિંગ ફીચરે સર્જ્યો અકસ્માત, મહિલાએ ઠોક્યો ₹8.5 કરોડનો દાવો

Tesla Sued Cybertruck: ઇલેક્ટ્રિક કાર બનાવતી દિગ્ગજ કંપની ટેસ્લા (Tesla) અત્યારે કાયદાકીય ગુંચવણમાં ફસાઈ છે. એક અમેરિકન મહિલાએ ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મહિલાનો દાવો છે કે તેના ટેસ્લા સાયબરટ્રક (Tesla Cybertruck) ના સેલ્ફ-ડ્રાઇવિંગ મોડની ખામીને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના અમેરિકાના હ્યુસ્ટનની છે, જે ઓગસ્ટ 2025માં બની હતી. તાજેતરમાં આ અકસ્માતનો ડેશકેમ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે સાયબરટ્રક એક Y-શેપના ઓવરપાસ (પુલ) પર જઈ રહ્યો હતો. જ્યાં કારે જમણી બાજુ વળવાનું હતું, ત્યાં સેલ્ફ-ડ્રાઇવિંગ સિસ્ટમે વળાંક લીધો નહીં. કાર સીધી જતી રહી અને સ્પીડમાં બેરિયર સાથે અથડાઈ. કાર એટલી જોરથી અથડાઈ કે તેના કેટલાક ભાગો હવામાં ઉડતા જોવા મળ્યા હતા. જો બેરિયર ન હોત તો કાર સીધી પુલ નીચે ખાબકી હોત.
10 લાખ ડોલરના વળતરની માંગ
પીડિત મહિલાએ ટેસ્લા પાસે 10 લાખ અમેરિકી ડોલર (અંદાજે ₹8.5 કરોડથી વધુ) ના વળતરની માંગ કરી છે. મહિલાના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, કારે કોઈપણ ચેતવણી વગર વાહનને ઓવરપાસ પરથી નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો. મહિલાએ છેલ્લી ઘડીએ કંટ્રોલ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારની સ્પીડ એટલી વધારે હતી કે અકસ્માત રોકી શકાયો નહીં. આ અકસ્માત વખતે મહિલાનો એક વર્ષનો પુત્ર પણ પાછળની સીટ પર હતો, જોકે સદનસીબે તેને કોઈ ઈજા થઈ નથી.
ગંભીર ઇજાઓ અને ટેસ્લા પર આરોપ
આ અકસ્માતમાં મહિલાને જમણા ખભા, ગરદન અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેસ્લાએ તેના ‘આસિસ્ટન્ટ સિસ્ટમ’ વિશે ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અને ઓટોપાયલટ (Autopilot) ફીચરની ડિઝાઇનમાં બેદરકારી દાખવી છે. એલોન મસ્ક વારંવાર FSD ફીચરના વખાણ કરે છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સેલ્ફ-ડ્રાઇવિંગ ટેકનોલોજીની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ Weather: ગુજરાતના વાતાવરણમાં ભયાનક પલટો, કચ્છથી લઈને રાજકોટ સુધી ગાજવીજ સાથે વરસાદ
આ પણ વાંચોઃ Goa ઑફ સીઝનમાં ફરવા જતા હો તો આ ભૂલો ન કરશો, નહીંતર જવું પડશે જેલ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો











