સ્વિત્ઝર્લેન્ડના લક્ઝરી બારમાં ભીષણ બ્લાસ્ટ: 40 ના મોત, 100થી વધુ ઘાયલ; પોલીસે આતંકી હુમલાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી: 1 જાન્યુઆરી, 2026: નવા વર્ષના પ્રથમ દિવસે સ્વિત્ઝર્લેન્ડના પ્રખ્યાત ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ક્રાન-મોન્ટાના (Crans-Montana)માં આવેલી એક આલીશાન બારમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પોલીસના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
આતંકી હુમલો નહીં પણ આગજનીની આશંકા
સ્વિસ પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ‘લે કોન્સ્ટેલેશન બાર એન્ડ લાઉન્જ’ (Le Constellation Bar & Lounge) ના બેઝમેન્ટમાં થયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે કોઈ આતંકવાદી હુમલા કે બાહ્ય હુમલાની શક્યતાને નકારી દીધી છે. અધિકારીઓ હાલમાં આ ઘટનાને ભીષણ આગજની (Arson) સાથે જોડીને તપાસ કરી રહ્યા છે. જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે બારમાં 150થી વધુ લોકો હાજર હતા.
દુર્ઘટના પાછળના સંભવિત કારણો
હાલમાં ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ ઘટના કોઈ હુમલો હોવાના સંકેત મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્વિત્ઝર્લેન્ડ અસાધારણ દુષ્કાળ અને જંગલની આગ (Forest Fires) ની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે શું આ શુષ્ક વાતાવરણને કારણે બનેલી દુર્ઘટના છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
લોકપ્રિય પ્રવાસન સ્થળ પર શોકનું મોજું
જે વિસ્તારમાં આ અકસ્માત થયો છે તે ક્રાન-મોન્ટાના સ્વિસ આલ્પ્સ પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ વિશ્વભરમાં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને ગોલ્ફ માટે પ્રખ્યાત છે. સ્વિસ રાજધાની બર્નથી આ રિસોર્ટ માત્ર બે કલાકના અંતરે છે. નવા વર્ષની ઉજવણી માટે અહીં હજારો પ્રવાસીઓ ઉમટતા હોય છે.
સ્વિત્ઝર્લેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જંગલની આગના જોખમો વધ્યા છે. એક રિપોર્ટ અનુસાર, 2001થી 2024 દરમિયાન દેશે આગના કારણે તેના કુલ વન વિસ્તારનો 3 ટકાથી વધુ હિસ્સો ગુમાવ્યો છે.











