જામીન કેવી રીતે આપી? ચુકાદા પર ફટકાર લગાવતા SCએ સેસશન જજ અને મેજિસ્ટ્રેટને 7 દિવસની સ્પેશ્યલ ટ્રેનિંગનો આપ્યો નિર્દેશ
નવી દિલ્હી: 1 ઓક્ટોબર, 2025: સુપ્રીમ કોર્ટે દિલ્હીની નીચલી અદાલતના બે ન્યાયાધીશોને તેમના જામીનના આદેશોમાં ગંભીર ખામીઓ બદલ ફટકાર લગાવી છે. આ સિવાય તેમને દિલ્હી જ્યુડિશિયલ એકેડમીમાં સાત દિવસની વિશેષ તાલીમ લેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એક એવા કેસમાં આપ્યો છે જેમાં નીચલી અદાલતના ન્યાયિક અધિકારીઓએ ₹1.9 કરોડની કથિત છેતરપિંડીના આરોપી દંપતીને જામીન આપ્યા હતા. તાલીમ લેવાનો આદેશ મેળવનાર ન્યાયિક અધિકારીઓમાં એક એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) અને એક સેશન જજનો સમાવેશ થાય છે.
જજોનો નિર્ણય ‘આઝાદીના સિદ્ધાંતો’ને નબળો પાડતો નથી, પણ…
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ ન્યાયિક અધિકારીઓનો નિર્ણય આઝાદીના સિદ્ધાંતોને નબળા પાડનારો નથી, પરંતુ આરોપી દંપતીનું આચરણ એવું હતું કે તેમને જામીન ન મળવા જોઈતા હતા.
કેસની વિગતો: જમીન ટ્રાન્સફરના નામે ₹1.9 કરોડની છેતરપિંડી
- આ કેસ એક કંપની સાથે થયેલી કથિત છેતરપિંડી સાથે જોડાયેલો છે. કંપનીએ આરોપ લગાવ્યો હતો કે આરોપી દંપતીએ જમીન ટ્રાન્સફર કરવાના નામે પૈસા લીધા હતા, પરંતુ તે જમીન પહેલેથી જ ગીરો રાખેલી હતી અને પાછળથી ત્રીજા પક્ષને વેચી દેવામાં આવી હતી.
- આ ફરિયાદ 2017માં નોંધાઈ અને 2018માં FIR થઈ. 2018 માં, દંપતીએ દિલ્હી હાઇકોર્ટમાંથી અગ્રીમ જામીન મેળવ્યા હતા અને ત્યારે પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું.
- જોકે, દંપતીએ પોતાનું વચન તોડ્યું અને રકમ પાછી ન કરી, જેના કારણે 2023 માં દિલ્હી હાઇકોર્ટે તેમના જામીન રદ કરી દીધા હતા.
હાઇકોર્ટના આદેશને અવગણીને જામીન આપ્યા
જમાનત રદ થયા છતાં, ચાર્જશીટ દાખલ થયા બાદ દંપતીએ નીચલી અદાલતમાંથી નિયમિત જામીન મેળવી લીધા, જેને સેશન કોર્ટ અને પછી દિલ્હી હાઇકોર્ટે પણ જાળવી રાખ્યા હતા.
જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે નીચલી કોર્ટના આદેશો પર ગંભીર આપત્તિ વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ACMM એ હાઇકોર્ટના 1 ફેબ્રુઆરી 2023 ના આદેશને નજરઅંદાજ કરીને માત્ર એટલી સામાન્ય દલીલ આપી દીધી કે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને તપાસ અધિકારીએ કસ્ટડીની જરૂર નથી જણાવી, તેથી આરોપીઓને કસ્ટડીમાં રાખવાનો કોઈ ઉદ્દેશ્ય નથી.
બેન્ચે આ દલીલને ફગાવી દેતાં કહ્યું કે આ નિર્ણય દંપતીના આચરણ અને હાઇકોર્ટ સમક્ષ કરેલા તેમના વચનોને અવગણે છે.
સુધારો લાવવા માટે વિશેષ તાલીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોના આ વલણને ગંભીરતાથી લેતા કહ્યું કે તે આવા આદેશોની અવગણના કરી શકે નહીં.
- પીઠે નિર્દેશ આપ્યો કે બંને ન્યાયિક અધિકારીઓએ દિલ્હી જ્યુડિશિયલ એકેડમીમાં ઓછામાં ઓછા સાત દિવસની વિશેષ તાલીમ લેવી પડશે.
- સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ તાલીમની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
- તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હશે કે ઉચ્ચ અદાલતોના નિર્ણયોને કેટલું મહત્ત્વ આપવું જોઈએ અને ન્યાયિક કાર્યવાહી કેવી રીતે સંચાલિત કરવી જોઈએ.
બેન્ચે સ્પષ્ટતા કરી કે, આ પગલું માત્ર ન્યાયિક પ્રક્રિયામાં સુધારો લાવવા માટે જ નથી, પરંતુ ભવિષ્યમાં આવી ચૂક ન થાય, ખાસ કરીને જ્યારે ઉપરી અદાલતોના આદેશોનો મામલો હોય, તે સુનિશ્ચિત કરવા માટે પણ છે.
આ પણ વાંચોઃ બ્રેકિંગ ન્યૂઝ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા
આ પણ વાંચોઃ ફ્યુચર અને ઓપ્શન્સમાં ઘટશે સટ્ટાબાજી, આજથી કડક નિયમો લાગુ












