ગુજરાતટ્રેન્ડિંગ

માતાના પ્રેમની અજબ દાસ્તાન: 130 ફૂટ ઊંડા કુવામાંથી કોબ્રા સાપ સાથે ફસાયેલા શ્વાનના 7 બચ્ચાઓનું રેસ્ક્યુ

ગાંધીનગર જિલ્લાના બાસણ ગામ નજીકના એક જંગલ વિસ્તારમાં આવેલા એક જૂના, વર્ષોથી બંધ પડેલા 130 ફૂટ ઊંડા કુવામાંથી એક અદ્ભુત બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કુવો વડવાઈની શાખાઓ અને ઝાડીઓથી ઢંકાયેલો હતો, જેમાં એક કોબ્રા સાપ સહિત અન્ય બે સાપ અને સાત નાના શ્વાનના બચ્ચાઓ ફસાઈ ગયા હતા.

આખી ઘટનાની શરૂઆત થઈ એક માતા શ્વાનના અજબ પ્રેમથી. પોતાના બચ્ચાઓ કુવામાં પડી ગયાની જાણ થતાં જ માતા શ્વાન રડતી-રડતી ફીલ્ડ સ્ટાફ પાસે પહોંચી અને વારંવાર કુવા તરફ જઈને મૂંગી ભાષામાં રુદન કરી સ્થળનો ઇશારો કરવા લાગી. તેના આ અજીબ વર્તનને જોઈને સ્ટાફનું ધ્યાન ગયું અને કુવામાં નજર કરતાં જ તેમને કુતરાના સાત નાના બચ્ચાઓ દેખાયા. પણ આઘાત ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે કુવામાં વિષૈલા કોબ્રા સહિત અન્ય બે સાપ પણ હતા.

તરત જ સ્થાનિક સ્ટાફે ગાંધીનગરની રેસ્ક્યુ ટીમને બોલાવી. ટીમ જરૂરી સાધનો-સામગ્રી લઈને ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ. રેસ્ક્યુ ટીમના સભ્યોએ માત્ર ગણતરીની મિનિટોમાં જ આખું ઓપરેશન પૂર્ણ કરી દીધું. પહેલા વિષૈલા સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, પછી સાતેય નાના શ્વાન બચ્ચાઓને બહાર કાઢ્યા. આખરે સાપોને પણ જંગલમાં સુરક્ષિત મુક્ત કરવામાં આવ્યા. જ્યારે કુતરાના 7 બચ્ચાઓમાંથી 2 ના મોત થયા હતા.

આ અદ્ભુત બચાવ કામગીરી જોવા આસપાસના ગામલોકો અને પ્રાણીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બધાએ રેસ્ક્યુ ટીમની બહાદુરી, ઝડપ અને કુશળતાની ખૂબ પ્રશંસા કરી. સૌથી વધુ ચર્ચામાં રહી તે માતા શ્વાનની ભાવુકતા અને બુદ્ધિમત્તા – જેણે પોતાના બચ્ચાઓને બચાવવા માટે માનવીઓ સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢ્યો.

આ ઘટના એક વખત વધુ સાબિત કરે છે કે માતૃપ્રેમ કોઈ ભાષા, કોઈ જાતિ કે કોઈ સીમાને નથી ઓળખતો. માતા શ્વાનની આ દાસ્તાન અને રેસ્ક્યુ ટીમની બહાદુરી હૃદયને સ્પર્શી ગઈ છે.

આ પણ વાંચો: બોટાદમાં ભયાનક માર્ગ અકસ્માત, ઝડપી ટ્રકે કારને ટક્કર મારી; ત્રણના મોત અને ચાર ઘાયલ

Back to top button