ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લાવવાની તૈયારી કરતી સ્ટારલિંકને લીલીઝંડી

નવી દિલ્હી, 8 મે, 2025: ભારત સરકારે અમેરિકાના અબજોપતિ એલન મસ્કની કંપની સ્ટારલિંકને દેશમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. સરકારના સૂત્રોના અનુસાર સંદેશાવ્યવહાર વિભાગ (ડીઓટીઃએ સ્ટારલિંકને લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) જારી કર્યો છે. તેનો મતલબ એ કે કંપની હવે પોતાની સેવાઓ શરૂ કરવા માટે હવે પછીનું પગલું ઉઠાવી શકે છે.
આ પહેલા પણ અન્ય કંપનીઓને મળી ચૂક્યા છે લાયસન્સ
સ્ટારલિંક પહેલા ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે યુટેલસૈટ વનવેબ અને જિયો સેટેલાઇટ કોમ્યુનિકેશન્સને લાયસન્સ મળી ચૂક્યા છે. હવે સ્ટારલિંક પણ જોડાવાથી બજારમાં સ્પર્ધા અને વિકલ્પ બન્નેમાં વધારો થશે.
સ્ટારલિંક શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
સ્ટારલિંક એ અમેરિકન કંપની સ્પેસએક્સનો એક પ્રોજેક્ટ છે, જે 2002માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. સ્ટારલિંકનો ઉદ્દેશ્ય વિશ્વના દરેક ખૂણામાં સેટેલાઇટ દ્વારા હાઇ-સ્પીડ, ઓછી લેટન્સી ઇન્ટરનેટ પ્રદાન કરવાનો છે.
LEO સેટેલાઇટ ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરશે
સ્ટારલિંક અન્ય પરંપરાગત ઉપગ્રહ સેવાઓથી અલગ છે. જ્યારે ઇન્ટરનેટ પ્રદાન કરતા ઉપગ્રહો સામાન્ય રીતે પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટર ઉપર (ભૂસ્તર ભ્રમણકક્ષા) સ્થિત હોય છે, ત્યારે સ્ટારલિંકનું નેટવર્ક લો અર્થ ઓર્બિટ (LEO)માં છે, જે ફક્ત 550 કિલોમીટર ઉપર છે. સ્ટારલિંક પાસે હાલમાં 7,000 ઉપગ્રહોનું નેટવર્ક છે, પરંતુ ભવિષ્યમાં તેને 40,000 ઉપગ્રહો સુધી વધારવાની યોજના છે. આ ટેક્નોલોજીથી લોકો માત્ર ઝડપી ઇન્ટરનેટ જ નહીં મેળવી શકશે, પરંતુ ઓનલાઈન ગેમિંગ, વિડીયો કોલિંગ અને સ્ટ્રીમિંગ જેવી સુવિધાઓનો પણ કોઈ પણ અવરોધ વિના ઉપયોગ કરી શકશે.
ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ ક્રાંતિની આશા
સ્ટારલિંકની સેવાઓ ખાસ કરીને એવા વિસ્તારો માટે ફાયદાકારક માનવામાં આવે છે જ્યાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ હજુ સુધી પહોંચ્યું નથી, જેમ કે પર્વતીય, ગ્રામીણ અને દૂરના વિસ્તારો. સરકારને આશા છે કે આનાથી ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પણ નવી ગતિ મળશે. હવે સ્ટારલિંકે બાકીની ઔપચારિકતાઓ જેમ કે સ્પેક્ટ્રમ ફાળવણી અને સ્થાનિક ભાગીદારી માટેની તૈયારી પૂર્ણ કરવાની રહેશે. સ્ટારલિંક આગામી મહિનાઓમાં ભારતમાં તેની સેવા શરૂ કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનને ભારત સામે ટક્કર લેવાનું પડ્યુ ભારે-આ ચીજો પર થઇ રહ્યુ છે અબજોનું ખર્ચ












