બિઝનેસ

શેરબજારમાં ભૂકંપ: મિડલ ઈસ્ટ યુદ્ધની અસરે દક્ષિણ કોરિયાનું માર્કેટ 7% તૂટ્યું, રોકાણકારોના 270 અબજ ડોલર સ્વાહા

નવી દિલ્હીઃ 3 માર્ચ, 2026: Share Market: મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધ બાદ સોમવારે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ભારતીય શેરબજાર રજાના કારણે બંધ છે, પરંતુ એશિયાના અન્ય બજારો ખુલ્લા છે. મોટાભાગના એશિયન માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ કોરિયાના બજારમાં સૌથી મોટો કડાકો બોલાયો છે.

એક જ ઝાટકે કરોડોની સંપત્તિ સાફ

મંગળવારે દક્ષિણ કોરિયાનું બજાર ખુલતાની સાથે જ 7 ટકાથી વધુ તૂટી ગયું હતું. આ ઘટાડાને કારણે રોકાણકારોની આશરે 270 અબજ ડોલર (લગભગ 390 ટ્રિલિયન વોન) ની માર્કેટ વેલ્યુ સાફ થઈ ગઈ છે. ઓગસ્ટ 2024 ના ‘યેન કેરી ટ્રેડ’ સંકટ પછીનો આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.

શા માટે તૂટ્યું માર્કેટ?

દક્ષિણ કોરિયાનો મુખ્ય ઈન્ડેક્સ KOSPI મંગળવારે ખુલતાની સાથે જ 7.23% સુધી ગગડ્યો હતો. નિષ્ણાતો માને છે કે સોમવારે દક્ષિણ કોરિયાનું બજાર બંધ હોવાને કારણે મિડલ ઈસ્ટમાં વધેલા તણાવની સીધી અસર મંગળવારે જોવા મળી હતી. આ ભારે ઘટાડાને કારણે ટેક સેક્ટરમાં જબરદસ્ત દબાણ જોવા મળ્યું. Samsung Electronics અને SK Hynix જેવા દિગ્ગજ શેરો 10 ટકા સુધી તૂટ્યા હતા.

યુદ્ધ અને એનર્જી સપ્લાયનું સંકટ

મિડલ ઈસ્ટમાં હુમલાઓને કારણે જીઓ-પોલિટિકલ ટેન્શન વધી ગયું છે. આનાથી વિશ્વભરમાં મોંઘવારી વધવાનો ખતરો પેદા થયો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે સારા સંકેત નથી. વધુમાં, એનર્જી સપ્લાય (ઊર્જા પુરવઠા) પર પણ સંકટ મડરાઈ રહ્યું છે. જો ઊર્જાના ભાવ વધશે તો તેની સીધી અસર મેન્યુફેક્ચરિંગ અને ટેક કંપનીઓના નફા પર પડશે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો કોરિયન માર્કેટમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

આવતીકાલે ભારતીય બજારમાં શું થશે?

સોમવારે ભારતના નિફ્ટી અને સેન્સેક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હાલમાં પણ માર્કેટ પર દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) 200 પોઈન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે, જે સંકેત આપે છે કે બુધવારે જ્યારે ભારતીય બજાર ખુલશે ત્યારે પણ દબાણ જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી ચાલુ રહેશે, તો ભારત જેવા આયાત પર નિર્ભર દેશ માટે મુશ્કેલી વધી શકે છે. નિષ્ણાતો અત્યારે રોકાણકારોને ‘થોભો અને રાહ જુઓ’ ની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે.

Back to top button