ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ કર્ણાટક CM સિદ્ધારમૈયાનો મોટો નિર્ણય, 2028ની ચૂંટણી નહીં લડે; રાજકારણને ગણાવ્યું ‘ભ્રષ્ટ’

બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વર્ષ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી નહીં લડે. લાંબા જાહેર સંદેશમાં તેમણે વધતી ઉંમર, ઘટતી શારીરિક ક્ષમતા અને રાજકારણમાં વધી રહેલા ભ્રષ્ટાચારને પોતાના નિર્ણયના મુખ્ય કારણો ગણાવ્યા છે.

સિદ્ધારમૈયાએ જણાવ્યું કે તેઓ ચૂંટણી નહીં લડે, પરંતુ જાહેર જીવન અને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર નહીં થાય. લોકોના પ્રશ્નો અને હિત માટે તેઓ અગાઉની જેમ જ સક્રિય રહેશે.

રાજકારણ હવે સંપૂર્ણ ભ્રષ્ટ બની ગયું છે

પોતાના સંદેશમાં સિદ્ધારમૈયાએ વર્તમાન રાજકીય વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આજે રાજકારણનું ક્ષેત્ર સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ગયું છે અને ઈમાનદાર રાજકારણ માટે જગ્યા સતત ઘટી રહી છે.

તેમણે જણાવ્યું કે અગાઉ ચૂંટણી દરમિયાન મતવિસ્તારના લોકો સ્વૈચ્છિક રીતે આર્થિક સહયોગ આપતા અને જનસમર્થનના આધારે જીત મળતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ચૂંટણી જીતવા માટે પૈસાની ભૂમિકા ખૂબ વધી ગઈ છે. આ જ કારણોસર તેમણે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

વરુણા બેઠક પરથી ફરી ચૂંટણી લડવા દબાણ છતાં નિર્ણય અડગ

સિદ્ધારમૈયાએ જણાવ્યું કે તેમના પરંપરાગત વરુણા વિધાનસભા મતવિસ્તારના કાર્યકરો અને મતદારો ફરી ચૂંટણી લડવા માટે સતત આગ્રહ કરી રહ્યા છે. છતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે તેઓ કોઈપણ ચૂંટણીમાં ઉમેદવાર નહીં બને અને પોતાનો નિર્ણય બદલીશે નહીં.

ઉંમર અને સ્વાસ્થ્ય પણ નિર્ણયનું કારણ

79 વર્ષીય સિદ્ધારમૈયાએ કહ્યું કે હાલની સરકારનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારે તેમની ઉંમર 81થી 82 વર્ષની થઈ જશે. આ ઉંમરે અગાઉ જેવી ઊર્જા અને ઉત્સાહ સાથે સતત ચૂંટણી લડવી અને વિસ્તારની જવાબદારીઓ નિભાવવી શક્ય નથી.તેમણે સ્વીકાર્યું કે તેમનું સ્વાસ્થ્ય પણ હવે પહેલાની સરખામણીએ નબળું બન્યું છે. તેથી સમયસર ચૂંટણી રાજકારણમાંથી નિવૃત્તિ લેવી યોગ્ય હોવાનું તેમણે માન્યું.

50 વર્ષના રાજકીય જીવનનો થશે પૂર્ણવિરામ

સિદ્ધારમૈયાએ પોતાના રાજકીય જીવનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે 1978માં તાલુકા બોર્ડના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા લગભગ પાંચ દાયકામાં તેમણે જીત અને હાર બંનેનો અનુભવ કર્યો છે.

તેમણે લખ્યું કે રાજકીય જીવન દરમિયાન તેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નથી અને અંતરાત્માના અવાજ વિરુદ્ધ નિર્ણય લીધો નથી. આ જ સંતોષ સાથે તેઓ ચૂંટણી રાજકારણમાંથી વિદાય લઈ રહ્યા છે.

રાજકારણમાં સક્રિય રહેશે, પરંતુ ચૂંટણી નહીં લડે

સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ રહ્યા નથી. તેઓ કોંગ્રેસના કાર્યકર તરીકે અને સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવતા નેતા તરીકે સક્રિય રહેશે. જોકે હવે તેઓ કોઈપણ લોકસભા, વિધાનસભા કે અન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં નહીં ઉતરે.

સિદ્ધારમૈયાના આ નિર્ણયને કર્ણાટક કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 2028ની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે નવા નેતૃત્વને આગળ લાવવાનો માર્ગ હવે વધુ સ્પષ્ટ બની શકે છે.

આ પણ વાંચોઃ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે લતા ગુપ્તાને સોંપાયો કાર્યભાર, અન્ય સભ્યોની કરાઈ નિયુક્તિ
Back to top button