શુભાંશુ શુક્લા પીએમ મોદીને મળ્યા, વડાપ્રધાનને અવકાશમાં લઈ ગયેલો ત્રિરંગો ભેટમાં આપ્યો

નવી દિલ્હી, 18 ઓગસ્ટ : ભારતીય અવકાશ વિજ્ઞાની ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે PM નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે મળ્યા હતા. આ દરમિયાન શુભાંશુએ પીએમ મોદીને તેમના ઐતિહાસિક એક્સિઓમ-4 મિશન દરમિયાન આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર લઈ જવામાં આવેલ ત્રિરંગો ભેટમાં આપ્યો હતો. આ ત્રિરંગો ભારતના માનવ અવકાશ ઉડાનના નવા યુગનું પ્રતીક છે.
પીએમ મોદીએ શુભાંશુનું ગળે લગાવી સ્વાગત કર્યું હતું. શુભાંશુએ પ્રધાનમંત્રીને તેમની અવકાશ યાત્રા સંબંધિત તસવીરો બતાવી હતી. પીએમ મોદી સાથેની મુલાકાતમાં, શુભાંશુ શુક્લાએ તેમના મિશનના પડકારો અને ઉત્સાહ શેર કર્યા, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રૂ સાથે ISS પર લાંબા સમય સુધી વિવિધ કામગીરીમાં ભાગ લીધો હતો અને ઘણા પ્રયોગો કર્યા હતા.
Had a great interaction with Shubhanshu Shukla. We discussed a wide range of subjects including his experiences in space, progress in science & technology as well as India’s ambitious Gaganyaan mission. India is proud of his feat.@gagan_shux pic.twitter.com/RO4pZmZkNJ
— Narendra Modi (@narendramodi) August 18, 2025
એક્સિઓમ-૪ મિશનમાં તેમના દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયોગો, જેમ કે માનવ શરીર પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસરોનો અભ્યાસ અને અવકાશમાં ખેતી માટે ઉપયોગમાં લેવાતી તકનીકોનો અભ્યાસ, ભારતના ગગનયાન કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન મોદી આ પ્રતીકાત્મક ભેટથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે શુભાંશુ શુક્લાની તકનીકી સિદ્ધિઓની પ્રશંસા કરી અને નવી પેઢીને પૃથ્વીથી આગળ સ્વપ્ન જોવા માટે પ્રેરણા આપવા બદલ તેમની પ્રશંસા કરી.
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા જૂનમાં એક્સિઓમ-૪ મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા હતા. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય છે. શુભાંશુ ૧૬ જુલાઈના રોજ મિશન પૂર્ણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા અને ત્યારથી તેઓ અમેરિકામાં પુનર્વસનમાં હતા. તેઓ ૧૭ ઓગસ્ટની સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત મોટી સંખ્યામાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સોમવારે સંસદે શુભાંશુ શુક્લાના એક્સિઓમ-૪ મિશન માટે પ્રશંસા કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ભારતની અવકાશ મહત્વાકાંક્ષાઓ માટે મિશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. જોકે, વિપક્ષે આ વિષય પર સંસદમાં ખાસ ચર્ચામાં ભાગ લીધો ન હતો. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે X પર પોસ્ટ કર્યું, ‘શુભશુ શુક્લાના ISS મિશન પર બધા ભારતીયો ગર્વ અનુભવે છે.’ તેમણે તેને ગગનયાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.











