રાઈડસ વગરનો લોકમેળો કેવો રહેશે? રાજકોટમાં શરૂ થઈ ચર્ચા

રાજકોટ, તા.12 જુલાઈ, 2025: સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ભાતીગળ લોકમેળામાં રાઈડસનું આકર્ષણ રહેતુ હતું. આ મેળાને મહાલવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. પરંતુ આ વખતે રાજય સરકારની રાઈડસ માટેની આકરી એસઓપીના કારણે જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે. લોકમેળાના 238 સ્ટોલ સામે માત્ર 27 ફોર્મ જ ભરાઈને સબમિટ થયા છે. લોકમેળા માટે કલેકટરતંત્ર દ્વારા આ વખતે સ્ટોલના ફોર્મની મુદતમાં સતત ત્રીજી વખત વધારો કરવા છતાં વેપારીઓએ લોકમેળાની આકરી એસઓપીના પગલે સ્ટોલ લેવા માટે રસ દાખવ્યો નથી. જેના પગલે આ મેળાના આયોજન સામે હાલ પ્રશ્નાર્થ ખડો ઉભો છે. લોકમેળા સમિતિને આ વખતે યાંત્રીક રાઈડસ તો ઠીક પણ સ્ટોલ વેચવાના પણ ફાંફા પડ્યા છે.
યાંત્રિક રાઈડસની એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી સાથે રાઈડસ સંચાલકોએ ગાંધીનગરમાં સીએમઓ, ગૃહ પ્રધાન, મુખ્ય પ્રધાન, યાંત્રીક રાઈડસ વિભાગના સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ એસઓપીમાં બાંધછોડ કરવાના મામલે તંત્રએ રસ નહી દાખવતા રાઈડસનો પ્રશ્ન હજુ જેમને તેમ અદ્ધરતાલ હોવાથી આ વખતે મોટી રાઈડસ વગર જ રાજકોટનો રંગીલો લોકમેળો યોજવો પડે તેવી નોબત આવી પડી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આ લોકમેળામાં હવે રાઈડસના બદલે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કવીઝ, મનોરંજન આપતી સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો સાથે પ્લાન-બી ના આયોજન તરફ આગળ વધવાનું શરુ કર્યું છે. લોકમેળાના રિવાઈઝડ પ્લાન માટે જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે ખાસ બેઠક યોજવામાં આવી હતી. રાઈડસ વગરનો આ લોકમેળો કેવો રહેશે તે અંગે પણ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેનક્રેશની તપાસની દિશા સામે અમને ગંભીર વાંધોઃ પાયલટ એસોસિયેશન












