ટ્રેન્ડિંગમનોરંજન

શિલ્પા શિંદેના નિવેદન બાદ હિના ખાનનો વળતો જવાબ, શરૂ થયું નવું બિગ બોસ?

Shilpa Shinde Hina Khan Fight: ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ શિલ્પા શિંદે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના 11 વર્ષ જૂના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) ના કેસ અંગે કરેલા એક ચોંકાવનારા ખુલાસા બાદ તેને લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. શિલ્પાએ કોમેડિયન ભારતી સિંહના પોડકાસ્ટમાં સ્વીકાર્યું હતું કે તેણે ‘ભાભીજી ઘર પર હૈ’ શોના પ્રોડ્યુસર સંજય કોહલી પર લગાવેલા જાતીય સતામણીના આરોપો ખોટા હતા. શિલ્પાના આ નિવેદન બાદ અભિનેત્રી હિના ખાને તેનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા, જેના કારણે હવે આ બંને સેલેબ્સ વચ્ચે સોશિયલ મીડિયા પર સીધો જંગ શરૂ થઈ ગયો છે.

શિલ્પાએ હિનાને આપી હતી પોતાની બીમારી પર ધ્યાન આપવાની સલાહ

શિલ્પા શિંદેના આ યુ-ટર્ન પર હિના ખાને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક અભિનેત્રીના આવા ખોટા કેસના કારણે કોઈ નિર્માતાની આખી જિંદગી બરબાદ થઈ શકે છે. હિનાના આ નિવેદનથી ગુસ્સે ભરાયેલી શિલ્પા શિંદેએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને વળતો પ્રહાર કર્યો હતો. શિલ્પાએ હિના ખાનનું નામ લીધા વિના તેને ટોણો માર્યો હતો કે, “તેણીએ અત્યારે બીજાની બાબતોમાં પડવાને બદલે પોતાની બીમારી પર ધ્યાન આપવું જોઈએ અને મને પરેશાન ન કરવી જોઈએ. જો તમને આખા મામલાની ગંભીરતા ખબર ન હોય તો આ મુદ્દે ચૂપ રહેવું વધુ સારું છે.”

હિના ખાનનો પલટવાર: “આ બિગ બોસ નથી, તેને પૂરા 9 વર્ષ વીતી ગયા છે”

શિલ્પા શિંદેના વીડિયો પર હિના ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જોરદાર વળતો પ્રહાર કર્યો છે. હિના ખાને શિલ્પાને ભૂતકાળ ભૂલીને આગળ વધવાની સલાહ આપતા લખ્યું કે, “મને આશ્ચર્ય થાય છે કે કેટલીક મહિલાઓ આવા વાહિયાત અને ખોટા કૃત્યનું સમર્થન કરી રહી છે. આ એક ગંભીર ગુનો છે. જો તે નિર્માતાએ શરમ ન માર્યા આત્મહત્યા કરી લીધી હોત કે તેનું ઘર તૂટી ગયું હોત તો? શું લોકોનું મગજ ખરાબ થઈ ગયું છે?”

હિનાએ આગળ ઉમેર્યું, “ખાસ કરીને આપણી ઇન્ડસ્ટ્રીની મહિલાઓએ સમજવું જોઈએ કે આવા ખોટા આરોપોથી આપણા બધાના કેરેક્ટર પર અસર પડે છે. મહિલાઓએ ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને જો આપણે આવા ખોટા કેસ સામે અવાજ નહીં ઉઠાવીએ, તો માત્ર પૈસા પડાવવા માટે સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવનારી મહિલાઓની યાદી લાંબી થતી જશે.” શિલ્પાના કટાક્ષનો જવાબ આપતા હિનાએ સ્પષ્ટ કહ્યું કે, “પ્લીઝ બિગ બોસને ભૂલી જાવ, તેને 9 વર્ષ થઈ ગયા છે. આ કોઈ હિના વર્સીસ XYZ ની લડાઈ નથી, મને કોઈના ફેમ (પ્રસિદ્ધિ)ના ખભે સવાર થઈને આગળ વધવાની જરૂર નથી. દુનિયા જાણે છે કે હું મારા દમ પર એકલી જ કાફી છું.”

#MeToo મૂવમેન્ટ અને કાયદાની મજાક ઉડી: હિના ખાન

હિના ખાને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે શિલ્પા શિંદેના આ એક ખોટા પગલાના કારણે ભવિષ્યમાં ખરેખર પીડિત એવી મહિલાઓની સચ્ચાઈ પર પણ લોકો શંકા કરશે. આનાથી #MeToo જેવી મોટી મુવમેન્ટ નબળી પડશે અને કાયદાની મજાક ઉડશે. હિનાએ સવાલ ઉઠાવ્યો કે શું સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવીને ગુનાને જસ્ટિફાય કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે? આ વિવાદના કારણે હાલમાં સોશિયલ મીડિયા પર નેટીઝન્સ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને બંને અભિનેત્રીઓના જૂના ફેન્સ વચ્ચે કમેન્ટ્સ વોર શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Cricket News: WTC ફાઇનલ રમ્યા બાદ કેએસ ભરતે કરી નિવૃત્તિની જાહેરાત

આ પણ વાંચોઃ સરકારી નોકરી માટે થઈ જાવ તૈયાર! GSSSB દ્વારા 700થી વધુ જગ્યા પર ભરતી જાહેર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button