
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 5 થી 7 જૂન દરમિયાન યોજાનારી સનાતન હનુમંત કથા અને તેમાં યોજાનારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને ભારત જન વિજ્ઞાન જાથાએ સખ્ત વાંધો ઉઠાવ્યો છે. જાથાએ સ્પષ્ટ કર્યું છે કે તેનો વિરોધ ધાર્મિક કથા કે સનાતન ધર્મ સામે નથી, પરંતુ દિવ્ય શક્તિ, પરચી અને અસાધ્ય રોગો મટાડવાના દાવાઓ સામે છે. જાથાએ આ દાવાઓને બિનવૈજ્ઞાનિક, ભ્રામક અને જનતાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે.
રાજકોટમાં યોજાયેલી બેઠક દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે કેન્સર, માનસિક બીમારી અથવા અન્ય ગંભીર રોગો કોઈ દિવ્ય શક્તિથી મટાડવાના દાવા વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પરચી કાઢવાની પ્રથા, વ્યક્તિનું નામ કે સમસ્યા અગાઉથી જાણવાની બાબતો ટેકનોલોજી અને પૂર્વ આયોજન દ્વારા કરવામાં આવતી હોય છે, જેને ચમત્કાર તરીકે રજૂ કરવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે જો ખરેખર દિવ્ય શક્તિ હોય તો દેશ અને દુનિયામાં બનતી મોટી દુર્ઘટનાઓ, કુદરતી આપત્તિઓ અથવા વિમાન અકસ્માતો અંગે અગાઉથી ચેતવણી કેમ આપવામાં આવતી નથી? આવા પ્રશ્નો લોકો સમક્ષ મૂકતાં તેમણે દાવો કર્યો કે દિવ્ય શક્તિના નામે કરવામાં આવતા પ્રયોગો માત્ર પ્રસિદ્ધિ મેળવવા અને લોકોની લાગણીઓનો લાભ લેવા માટે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી ગામડે ગામડે જાગૃતિ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા લોકો સુધી વૈજ્ઞાનિક અભિગમ પહોંચાડવા તથા અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જાથાએ પોતાના સમર્થકોને કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કાર્યક્રમો યોજવા અને જનજાગૃતિ ફેલાવવા અપીલ કરી છે.
જયંત પંડયાએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિ વિજ્ઞાન, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વિચારસરણીથી શક્ય બને છે, જ્યારે અંધશ્રદ્ધા અને ચમત્કારોના દાવાઓ સમાજને પાછળ ધકેલે છે. તેમણે જણાવ્યું કે લોકો મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી પ્રશ્નોથી પરેશાન છે, ત્યારે આવા કાર્યક્રમો દ્વારા લોકોનું ધ્યાન મૂળ પ્રશ્નોથી ભટકાવવામાં આવે છે.
જાથાના જણાવ્યા મુજબ જો કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારના કાયદા ભંગ, ઉશ્કેરણીજનક નિવેદન અથવા બંધારણ વિરોધી પ્રવૃત્તિઓ જોવા મળશે તો સંબંધિત પુરાવા સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જાથાએ જણાવ્યું કે તે હંમેશા કાયદાકીય અને શાંતિપૂર્ણ માર્ગે જ પોતાના વિચારો રજૂ કરે છે.
આ પ્રસંગે દેવજીભાઈ પડસુંબિયા, રમેશભાઈ જે. રાઠોડ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, હસુભાઈ દુબરીયા, હિતેશભાઈ પરમાર, પ્રવીણભાઈ લો, સુવાસભાઈ રામ, ભાવિનભાઈ ગઢવી, વિપુલભાઈ ડાભી સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જાગૃતિ અભિયાનને સમર્થન આપ્યું હતું.
વિજ્ઞાન જાથાએ જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય કોઈ ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનો વિરોધ કરવાનો નથી, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તર્કબદ્ધ વિચારસરણી અને અંધશ્રદ્ધા વિરોધી જાગૃતિ ફેલાવવાનો છે. આગામી દિવસોમાં રાજકોટમાં યોજાનારા વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.












