ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરજી કેમ દાખલ કરી… શું તમે દેશના મુખ્ય પુજારી છો? સુપ્રીમ કોર્ટે સબરીમાલા મામલે અરજદારને પૂછ્યા સવાલ

Sabarimala case: સુપ્રીમ કોર્ટે સબરીમાલા વિવાદમાં અરજી દાખલ કરનાર ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશનને કડક ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા 2006માં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો છે. સાથે જ તીખો સવાલ કર્યો કે તમે આ અરજી શા માટે દાખલ કરી? શું તમે દેશના મુખ્ય પુજારી છો?

સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશનને પૂછ્યું કે શું તેમની પાસે બીજું કોઈ કામ નથી? શું તેઓ બારના કલ્યાણ માટે કામ ન કરી શકે? આ ટિપ્પણી નવ ન્યાયાધીશો ધરાવતી સંવિધાન બેન્ચે કરી હતી, જેની અધ્યક્ષતા ભારતના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંત કરી રહ્યા છે. આ બેન્ચમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના, એમ.એમ. સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, પ્રસન્ના બી. વરાળે, આર. મહાદેવન અને જોયમલ્યા બાગચી સામેલ છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્ને કહ્યું કે કોઈપણ જ્યુરિસ્ટિક બોડી એટલે કે કાનૂની સંસ્થા વ્યક્તિગત આસ્થાનો દાવો કરી શકતી નથી. તેમણે ટિપ્પણી કરી કે વિશ્વાસ વ્યક્તિનો હોય છે, સંસ્થાનો નહીં. તમારી પાસે કોઈ અંતરાત્મા નથી.

યુવા વકીલોના હિતમાં કામ કરવું જોઈએ: સૂર્યકાંત

જસ્ટિસ અરવિંદ કુમારે પણ સંસ્થાને પૂછ્યું કે શું અરજી દાખલ કરવા માટે કોઈ ઔપચારિક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો અને શું સંસ્થાના અધ્યક્ષે તેને મંજૂરી આપી હતી. તે જ સમયે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે આવી અરજીઓ દાખલ કરવાને બદલે સંસ્થાએ બાર અને યુવા વકીલોના હિતમાં કામ કરવું જોઈએ. જસ્ટિસ નાગરત્નએ પણ કહ્યું કે ગ્રામિણ વિસ્તારોમાંથી આવતા પ્રતિભાશાળી યુવા વકીલોને સહયોગ આપવો અને તેમના માટે તકો ઊભી કરવી એ વધુ મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રવિ પ્રકાશ ગુપ્તાએ દલીલ રજૂ કરી. તેમણે કહ્યું કે તેઓ આસ્તિક છે. તેમણે કોર્ટને જણાવ્યું કે 2006માં પ્રકાશિત ચાર સમાચાર અહેવાલોના આધાર પર આ PIL દાખલ કરવામાં આવી હતી. સંસ્થાનો હેતુ ભગવાન અયપ્પાના ભક્તોની આસ્થાને પડકારવાનો નથી, પરંતુ તેને જાળવી રાખવાનો છે.

વકીલ રવિ પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે મંદિરના તંત્રી એટલે કે મુખ્ય પૂજારીએ અગાઉ એવો મત વ્યક્ત કર્યો હતો કે નાની ઉંમરની મહિલાઓનો પ્રવેશ દેવતાની ઇચ્છા વિરુદ્ધ છે. સાથે જ તેમણે નવ ન્યાયાધીશોની બેન્ચના સંદર્ભમાં કેટલાક ન્યાયાધીશોની ટિપ્પણીઓ પર પણ વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: એરપોર્ટ પર લેન્ડિંગ બાદ ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ: 5 ઘાયલ, મુસાફરોમાં ભયનો માહોલ

Back to top button