ટ્રેન્ડિંગબિઝનેસ

રૂ. 10, 20 ના પ્લાસ્ટિક નોટ પર મોટી અપડેટ, RBIને મળી ફીલ્ડ ટ્રૉયલની મંજૂરી

Indian Currency Update: જે નોટ ફાટશે નહીં કે પાણીમાં પલળીને બગડશે નહીં, તે ટૂંક સમયમાં તમારા ખિસ્સા કે પર્સમાં જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને ₹10 અને ₹20 મૂલ્યના પ્લાસ્ટિક એટલે કે પૉલિમેર (Polymer) બેંકનોટોના ફીલ્ડ ટ્રાયલ માટે મોટી મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ આશરે 100 કરોડ (1 અબજ) પૉલિમેર બેંકનોટોને સર્ક્યુલેશનમાં ટ્રાયલ માટે જારી કરવામાં આવશે.

રાજ્યસભામાં નાણાં મંત્રીનો લેખિત જવાબ

નાણાં મંત્રીએ રાજ્યસભામાં લેખિત જવાબ આપતા માહિતી આપી હતી કે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની ભલામણના આધારે, RBI એક્ટ, 1934 ની કલમ 25 (Section 25 of RBI Act, 1934) હેઠળ કેન્દ્ર સરકારે ₹10 અને ₹20 ના 1 અબજ પૉલિમેર નોટો રજૂ કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે.

કાગળની નોટો સાથે જ ચાલશે આ પૉલિમેર નોટ

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કાગળની નોટોને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે. આ પૉલિમેર નોટોને હાલની કાગળની નોટોની સાથે જ સર્ક્યુલેશનમાં ચલાવવામાં આવશે. ફીલ્ડ ટ્રાયલ સફળ રહ્યા બાદ આ બંને મૂલ્યવર્ગોમાં પૉલિમેર નોટો નિયમિતપણે જારી કરવામાં આવશે.
RBI મુજબ, આ નોટોના પ્રિન્ટિંગની પ્રક્રિયા હાલ શરૂઆતના તબક્કામાં છે, જેના કારણે તેને જારી કરવાની ચોક્કસ તારીખ કે તેના પર થનારા સંભવિત ખર્ચનો ચોક્કસ અંદાજ હાલ દર્શાવી શકાય તેમ નથી.

કેમ લાવવામાં આવી રહી છે પ્લાસ્ટિકની નોટ?

પ્લાસ્ટિક કે પૉલિમેર નોટ લાવવા પાછળનું સૌથી મોટું કારણ તેની ટકાઉ ક્ષમતા છે:
  • ખરાબ નહીં થાય: આ નોટો પાણી, ધૂળ કે કચરાથી ખરાબ થતી નથી અને સરળતાથી ફાટતી પણ નથી.
  • નકલી નોટો પર લગામ: પૉલિમેર સીટ પર એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ સરળતાથી ઉમેરી શકાય છે, જેનાથી નકલી નોટો બનાવવી અત્યંત મુશ્કેલ બની જશે.
  • પ્રિન્ટિંગ ખર્ચમાં બચત: કાગળની નોટો જલ્દી ખરાબ થઈ જાય છે જેના કારણે તેના પ્રિન્ટિંગ અને રિપ્લેસમેન્ટનો ખર્ચ સતત વધતો રહે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ (FY25) માં આરબીઆઈએ કાગળની નોટોના પ્રિન્ટિંગ પાછળ ₹૬,૩૭૨.૮ કરોડનો જંગી ખર્ચ કર્યો હતો, જેમાં પૉલિમેર નોટોના આગમનથી મોટો ઘટાડો થઈ શકે છે.

શું કાગળની નોટો બંધ થઈ જશે?

સરકારનો એવો કોઈ વિચાર કે યોજના નથી. પૉલિમેર નોટોને કાગળની નોટોની સાથે જ સર્ક્યુલેશનમાં ચલાવવામાં આવશે. જ્યાં સુધી આ નોટો પૂરેપૂરી રીતે પ્રચલિત ન થાય ત્યાં સુધી કાગળની નોટોનું ચલણ પણ ચાલુ જ રહેશે. તેનો અર્થ એ નથી કે કાગળની નોટો રાતોરાત અમાન્ય થઈ જશે. કાગળની નોટો પણ તેનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી ચાલતી રહેશે. જોકે, પ્લાસ્ટિક નોટોનું પરીક્ષણ સફળ થયા બાદ કાગળની નોટોનું નવું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડી કે બંધ કરવામાં આવી શકે છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

Back to top button