‘રાણો રાણાની રીતે’ પોલીસની ઝપટે ચડી ગયો : હુમલા પ્રકરણમાં દેવાયત ખવડની ધરપકડ
વેરાવળ, 17 ઓગસ્ટ : ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નજીક થોડાક દિવસો પૂર્વે અમદાવાદના યુવક ઉપર લોકગાયક દેવાયત ખવડ સહિતનાઓએ કરેલા હુમલા પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ બાદ હવે આ હાઈ પ્રોફાઈલ કેસમાં સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી દેવાયત ખવડ સહિત 6 શખસોની ધરપકડ કરવામાં આવી છે. જેને આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.
ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતા જ સનસનાટી મચી ગઈ હતી. મોડી રાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા.
ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કરી અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે આજે(17 ઓગસ્ટ, 2025) બપોરે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહીત 6 લોકોની દુધઈ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી હતી. આ પહેલાં હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર ગીર સોમનાથથી બિનવારસી મળી હતી.
ત્યાર બાદ સાંજે ગીર સોમનાથ LCB દેવાયત ખવડ સહિત છ શખ્સને ઈણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈને પહોંચી હતી. આ મામલે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ, દેવાયત ખવડ અને તેના 12થી 15 સાથીએ તેમની સાથે ગાડી અથડાવી મારામારી કરી હથિયાર બતાવ્યું અને લૂંટ કરી હતી. પોલીસની 7 ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં સાસણની આસપાસ તેમના લોકેશન મળતા હતા કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે જઈ પોલીસે કામ શરૂ કર્યું હતું. ગઈકાલે રાત્રે(16 ઓગસ્ટ) બાતમી મળી હતી કે દેવાયત ખવડ આવવાનો છે. જેના આધારે આજે તેની ધરપકડ કરી હતી. દેવાયત સિવાયના આરોપીની ઓળખ પરેડ કરવાના છીએ.
મુખ્ય કારણ સનાથલમાં ડાયરા માટે બુકિંગ કરાવ્યું હતું અને તેમાં કલાકાર લેટ પહોંચ્યા હતા, જેથી માથાકૂટ થઈ હતી. જેમાં સામ સામે ફરિયાદો થઈ હતી. એ બાબતે સોશિયલ મીડિયામાં ફરિયાદી રિલ મૂકતા હતા અને આક્ષેપ-પ્રતિ આક્ષેપ થતા હતા. ફરિયાદીએ સો.મીડિયામાં સ્ટેટસ મૂકેલું કે અમે સાસણ ગીરમાં છીએ એટલે તેના આધારે પોતાના સાથીદારોને ભેગા કરીને આ ગુનો આચર્યો છે. હાલ 7 આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીની પૂછપરછ કરી છે. આરોપીઓ બદલો લેવાની ફિરાકમાં હતા.
આરોપીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિષ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.
બાતમીદારોનું નેટવર્ક, ઇન્વેસ્ટિગેશનના ક્લૂ, વાહન માલિકોના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા. મળી આવેલા બન્ને વાહન એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે, એનું પાસિંગ બનાસકાંઠા-થરાદનું છે. વાહનોના માલિકની પૂછપરછ કરી અને પછી આગળ વધ્યા હતા. તપાસના મુખ્ય મુદ્દામાં કઈ કઈ જગ્યાએ ગયા, ત્યાં કોઇએ મદદ કરી કે નહીં. અમારી ટીમ અનેક જિલ્લાઓમાં ગઈ હતી. સોશિયલ મીડિયા પોસ્ટ તથા ક્યા ક્યા હથિયારોનો ઉપયોગ કર્યો તે સહિતની બાબતો રહેશે.












