રાજ્યસભા ચૂંટણી બાદ બદલાયો નંબર ગેમ! બે તૃતીયાંશ બહુમતી તરફ NDA, વિપક્ષની સ્થિતિ શું?

Rajya Sabha Election Result 2026: ભાજપના નેતૃત્વ હેઠળનું NDA હવે રાજ્યસભામાં પણ મજબૂત બનતું દેખાઈ રહ્યું છે. જોકે તે હજુ પણ બે તૃતીયાંશ બહુમતીથી દૂર છે, તાજેતરના ચૂંટણી પરિણામોએ તેની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. 18 જૂન સુધી 10 રાજ્યોમાં 27 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોના રાજીનામા બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે NDA ની સંખ્યા વધુ વધી શકે છે.
રાજ્યસભામાં NDA ગઠબંધનમાં હાલ સૌથી મોટો પક્ષ ભાજપ જ છે અને આ ગઠબંધન હવે 152 બેઠકો સુધી પહોંચી ગયું છે. શરૂઆતમાં જ્યારે સાંસદો 24 બેઠકો પર બિનહરીફ ચૂંટાયા હતા, તેમાં 19 સાંસદ NDAના જ હતા. ઝારખંડમાં પરિમલ નથવાણીની જીતથી ગુરુવારે NDA સાંસદોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. હવે આ ગઠબંધન બે તૃતીયાંશ બહુમતીથી માત્ર 11 બેઠકો દૂર છે.
નોંધનીય છે કે તાજેતરમાં TMCના ચાર બાગી રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપ્યું છે. તેમાં સુષ્મિતા દેવ, પ્રકાશ બરિક, સુખેન્દુ શેખર રે અને કોયલ મલિકના નામનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બેઠકો પર ભાજપ સરળતાથી જીતી શકે છે. એવી પણ અટકળો છે કે આવનારા દિવસોમાં કેટલાક વધુ સાંસદો પણ રાજીનામું આપી શકે છે.
આ પક્ષો કોઈ ગઠબંધનનો ભાગ નથી
વાસ્તવમાં BJD (બિજુ જનતા દળ)ના રાજ્યસભામાં 5 અને YSRCPના 7 સાંસદ છે અને આ બંને પક્ષો કોઈપણ ગઠબંધનમાં સામેલ નથી. જોકે, ઘણા પ્રસંગોએ તેઓ NDAનો સાથ આપતા રહ્યા છે. ઓડિશા વિધાનસભા ચૂંટણી બાદ બીજેડી અને ભાજપ વચ્ચેના સમીકરણોમાં કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે.
બંધારણીય સુધારા બિલને સંસદમાં પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે. જો NDA આ આંકડો હાંસલ કરે છે, તો સીમાંકન બિલનો માર્ગ સરળ બનશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ ફરીથી રજૂ કરી શકે છે. જોકે હાલ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ કહેવામાં આવ્યું નથી.
ઇન્ડિયા એલાયન્સ પાસે કેટલા સાંસદો છે?
કોગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા એલાયન્સ પાસે હાલમાં માત્ર 64 સાંસદો છે, કારણ કે 8 સાંસદો સાથે DMK અને 3 સાંસદો સાથે AAP આ જૂથથી અલગ થઈ ગઈ છે. નોંધનીય છે કે લોકસભામાં NDAની સંખ્યા 300થી વધુ પહોંચી શકે છે, કારણ કે TMCના લગભગ 20 સાંસદો એક અલગ જૂથ બનાવીને તેને સમર્થન આપી શકે છે.
આ પણ વાંચો: જનતાના પૈસાની લૂંટ, 1,537 કરોડની લોન માત્ર 73.50 કરોડમાં સેટલ, સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ












