ગુજરાત

Rajkot: ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો નીતિન રામાણીના સમર્થકોનો હલ્લાબોલ

Gujarat Local Body Election 2026: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ શહેર ભાજપમાં ભડકો થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કાપી નાખવામાં આવતા મામલો બિચક્યો હતો. પક્ષના નિર્ણયથી નારાજ રામાણીના સમર્થકોએ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે હલ્લાબોલ કરી જોરદાર વિરોધ પ્રદર્શન કરતા મોડી સાંજ સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

એક તરફ જશ્ન, બીજી તરફ આક્રોશ

ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરાયા છે. આ જાહેરાત બાદ નવા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી. જોકે, આ જશ્ન લાંબો સમય ટક્યો નહીં, કારણ કે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. નીતિન રામાણીને પડતા મૂકીને તેમના સ્થાને પંકજ લુણાગરિયાને ટિકિટ આપવાના નિર્ણયને કાર્યકરોએ અન્યાય ગણાવ્યો હતો.

‘કમલમ’ કાર્યાલય ગજવ્યું: નારેબાજી અને અફરાતફરી

ટિકિટ કપાતા જ નીતિન રામાણી 50થી વધુ સમર્થકોના કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ પક્ષ વિરોધી સૂત્રોચ્ચાર ટાળીને નીતિનભાઈના સમર્થનમાં “હમ તુમ્હારે સાથ હૈ” ના નારા લગાવી આખું કાર્યાલય માથે લીધું હતું. ભાજપના ગઢ ગણાતા કાર્યાલયમાં અચાનક થયેલા આ હલ્લાબોલથી નેતાઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.

સીનિયર નેતાઓની મધ્યસ્થી અને બંધ બારણે બેઠક

સ્થિતિ વણસતી જોઈને ભાજપના સીનિયર નેતા પુષ્કર પટેલ તાત્કાલિક મેદાનમાં આવ્યા હતા. તેમણે ઉશ્કેરાયેલા કાર્યકરોને શાંત પાડી નીતિન રામાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પક્ષના ટોચના નેતાઓ – શહેર પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને પુષ્કર પટેલની હાજરીમાં નીતિન રામાણી સાથે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી.

મામલો હાલ પૂરતો થાળે, પણ અસંતોષ યથાવત

બેઠક દરમિયાન પક્ષના મોવડીમંડળે રામાણીને પક્ષના શિસ્ત અને ભવિષ્યની જવાબદારીઓની ખાતરી આપી શાંત પાડ્યા હતા. જોકે, નીતિન રામાણીએ હાલ પૂરતી પોતાની નારાજગી સંકેલી લીધી હોય તેમ જણાય છે, પરંતુ તેમના સમર્થકોમાં રહેલો છૂપો રોષ આગામી ચૂંટણીમાં મતદાન પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Dang: વઘઈ અને સામગહાન રેન્જમાં આગથી વનસંપત્તિને ભારે નુકસાન

Back to top button