પુતિને ભારત માટે ખોલ્યો ખજાનો, ટ્રમ્પની ચાલને નિષ્ફળ બનાવવા ક્રૂડ પર આપી બમ્પર ઓફર

નવી દિલ્હી, 25 નવેમ્બર, 2025: રશિયાએ ભારતીય રિફાઇનરીઓને પોતાના ક્રૂડ પર બે વર્ષમાં સૌથી મોટી છૂટની ઓફર આપીછે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના લેન્ડિંગ અને જાન્યુઆરીના આવનારા કાર્ગો હવે બ્રેન્ટ ક્રૂડની તુલનામાં બેરલદીઠ 7 ડોલર સુધી સસ્તા આપવાનું કહ્યુ છે. આ છટ પહેલા મળી રહેલા આશરે બેરલદીઠ 3 ડોલરના ડિસ્કાઉન્ટથી બમણી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે રિલાયન્સ સહિત ભારતના અનેક મોટી ખરીદારોએ કડક પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયન આયાતમાં ઘટાડો કર્યો છે કે સદંતર બંધ કરી દીધી છે. પરંતુ હવે વધુ છૂટ મળવાથી રિફાઇનર્સ ફરી એક વખત ખરીદી પર વિચારી શકે છે. ભારતના દોસ્ત વ્હાલ્દિમીર પુતિને અમેરિકા દ્વાર રશિયન ક્રૂડ પરની ખરીદી પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ ઓફર આપી છે. તેનાથી ભારતના બન્ને હાથમાં લાડુ આવી ગયા છે.
પશ્ચિમી પ્રતિબંધો રશિયન ઓઇલ વેપારમાં વિક્ષેપ પાડે છે
તાજેતરના યુએસ પ્રતિબંધોએ મુખ્ય રશિયન ઉત્પાદકો, રોઝનેફ્ટ અને લુકોઇલને લક્ષ્ય બનાવ્યા છે, જેના કારણે રશિયા-ભારત વચ્ચેના ક્રૂડ ઓઇલના વેપાર પર અસર પડી છે, જે 2022થી તેજીમાં હતો. ઘણા કાર્ગો હવે પ્રતિબંધિત શ્રેણીમાં આવી રહ્યા છે, અને બિન-પ્રતિબંધિત વિક્રેતાઓ પાસેથી ઉપલબ્ધ કાર્ગો કુલ ઉપલબ્ધતાના માત્ર 20% સુધી ઘટી ગયો છે. પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી ભારતીય રિફાઇનર્સે નવા રશિયન તેલનું બુકિંગ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. જોકે, રેકોર્ડ ડિસ્કાઉન્ટથી બજારમાં નવો ઉત્સાહ સર્જાયો છે. રિફાઇનર્સ હવે કોઈપણ પ્રતિબંધોના જોખમને ટાળવા માટે ફક્ત બ્લેકલિસ્ટ નહી થયેલી કંપનીઓ દ્વારા વેચવામાં આવતા કાર્ગો પર વિચાર કરી રહ્યા છે.
રિલાયન્સે તેની નિકાસ રિફાઇનરીમાં રશિયન ઓઇલની પ્રક્રિયા બંધ કરી દીધી
ગયા અઠવાડિયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેર કર્યું હતું કે તેણે જામનગરમાં તેની નિકાસ-માત્ર SEZ રિફાઇનરીમાં રશિયન ક્રૂડનું પ્રક્રિયા કરવાનું બંધ કરી દીધું છે. આ પગલું યુરોપિયન યુનિયનના કડક નિયમોને કારણે હતું જે એવા દેશોમાં બળતણ નિકાસ પર પ્રતિબંધ મૂકે છે જેમણે રશિયન ક્રૂડમાંથી બનેલા ઉત્પાદનો પર પ્રતિબંધો લાદ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરથી, SEZ રિફાઇનરી ફક્ત બિન-રશિયન તેલનો ઉપયોગ કરશે, અને 20 નવેમ્બર પછી આવતા રશિયન કાર્ગોને સ્થાનિક રિફાઇનરીઓ તરફ વાળવામાં આવશે. 2026માં અમલમાં આવનારા કડક નિયમો પહેલા આ પગલાને “એડવાન્સ પાલન” માનવામાં આવે છે.
ભારતની ઉર્જા વ્યૂહરચના પર મોટી અસર
રશિયા તરફથી ભારે ડિસ્કાઉન્ટથી ભારત માટે તકો ઊભી થઈ છે, પરંતુ પ્રતિબંધોનું જોખમ પણ વધ્યું છે. યુરોપમાં બજારો ગુમાવ્યા પછી રશિયાએ ભારતને ભારે ડિસ્કાઉન્ટ આપવાનું ચાલુ રાખ્યું હોવાથી, યુરાલ્સ બ્લેન્ડ 2022થી ભારતનું પ્રાથમિક ક્રૂડ ઓઇલ બની ગયું હતું. હવે જ્યારે યુએસએ રોઝનેફ્ટ અને લુકોઇલ જેવા મુખ્ય ઉત્પાદકો પર નવા પ્રતિબંધો લાદ્યા છે, ત્યારે ભારતીય રિફાઇનર્સ મધ્ય પૂર્વ જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ વળ્યા છે. આ હોવા છતાં, રશિયા દ્વારા ઓફર કરવામાં આવતી રેકોર્ડ ડિસ્કાઉન્ટ ભારતને સંતુલન જાળવવા માટે પ્રેરિત કરી રહી છે. આગામી મહિનાઓમાં ભારતીય કંપનીઓની ખરીદી વ્યૂહરચના નક્કી કરશે કે આ ડિસ્કાઉન્ટ ભારતના ઉર્જા બિલને કેટલો ફાયદો કરશે.
આ પણ વાંચોઃ બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝીટીવ ખુલ્યા બાદ નબળાઇ












