ટ્રેન્ડિંગનેશનલ

BJPમાં ‘ઘર વાપસી’ની તૈયારીમાં સિદ્ધુ? કોંગ્રેસથી દૂર થયા બાદ રાહુલ ગાંધીને કહ્યું હતું ‘પપ્પૂ’

નવી દિલ્હીઃ 8 ફેબ્રુઆરી, 2026: પંજાબના રાજકારણમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આખરે એક મોટા ધડાકા સાથે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ડૉ. નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ ભુપેશ બઘેલે શુક્રવારે આ અંગેની ઔપચારિક જાહેરાત કરી હતી. જોકે, આ હકાલપટ્ટી પહેલા જ 31 જાન્યુઆરીએ નવજોત કૌરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડના આ કડક પગલાએ સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષ હવે સિદ્ધુ પરિવારની નિવેદનબાજી સહન કરવાના મૂડમાં નથી.

રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડ્યા બાદ ડો. નવજોત કૌર સિદ્ધુના તેવર વધુ આક્રમક બન્યા છે. તેમણે આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહીને સંબોધ્યા હતા, જે કોંગ્રેસ સાથેના તેમના સંબંધોમાં આવેલી કડવાશની ચરમસીમા દર્શાવે છે.

500 કરોડના સૂટકેસનો આરોપ

વિવાદના મૂળ ગયા વર્ષે ડિસેમ્બરમાં નખાયા હતા, જ્યારે નવજોત કૌરે કોંગ્રેસ નેતૃત્વ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ચહેરો એ જ બને છે જે 500 કરોડ રૂપિયાની સૂટકેસ આપે છે.” તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ સક્રિય રાજકારણમાં ત્યારે જ પરત ફરશે જ્યારે તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવશે.

શું ભાજપમાં થશે ઘરવાપસી?

હવે રાજકીય વર્તુળોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવજોત સિંહ સિદ્ધુનું આગામી પગલું શું હશે? છેલ્લા કેટલાક અઠવાડિયામાં નવજોત કૌરે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના જોરદાર વખાણ કર્યા હતા. આનાથી એવી અટકળો તેજ થઈ છે કે સિદ્ધુ પરિવાર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો દામન થામી શકે છે.

બળવાખોર ઈતિહાસ

સિદ્ધુ પરિવાર અને બળવાખોર તેવરનો જૂનો નાતો છે:

  • 2012: ભાજપમાં હોવા છતાં પોતાની જ અકાલી-ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા.
  • 2016: ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાની કોશિશ કરી પણ વાત ન બની.
  • 2017: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા.

કેપ્ટન સાથે જંગ:

કોંગ્રેસ સરકારમાં મંત્રી હોવા છતાં તત્કાલીન સીએમ કેપ્ટન અમરિંદર સિંહ સામે મોરચો માંડ્યો, જેના કારણે કેપ્ટને પદ છોડવું પડ્યું હતું. હાલમાં નવજોત સિંહ સિદ્ધુ મૌન છે, પરંતુ રાહુલ ગાંધી પરના વ્યક્તિગત હુમલા બાદ કોંગ્રેસના દરવાજા તેમના માટે લગભગ બંધ થઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે પંજાબના રાજકારણનો આ ‘ધુરંધર’ ખેલાડી ભગવો ધારણ કરે છે કે નવી રાહ પસંદ કરે છે.

 

 

 

Back to top button