વિભાજનની પીડાને નમન: ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર PM મોદીએ ભાવુક પોસ્ટ કરી

નવી દિલ્હી: ભારતમાં આજે, 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1947માં ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને અકલ્પનીય પીડા સહન કરનારા લાખો લોકોને દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ભારતની આઝાદી સાથે જ આવેલા વિભાજને લાખો પરિવારોને પોતાના ઘર, જમીન, ધંધા અને વતન છોડવા મજબૂર કર્યા હતા.
દેશના વિભાજન સમયે ખાસ કરીને પંજાબ અને બંગાળના વિસ્તારોમાં ભારે હિંસા અને અશાંતિ સર્જાઈ હતી. નવી સરહદો ખેંચાયા બાદ મોટી સંખ્યામાં લોકોએ પાકિસ્તાનના ભાગમાં આવેલા વિસ્તારોમાંથી બધું જ પાછળ છોડીને ભારતમાં આશરો લીધો હતો. આ માનવીય દુર્ઘટનાની યાદમાં દર વર્ષે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.
Today we mark #PartitionHorrorsRemembranceDay. We recall the courage of all those who were impacted by Partition. It was a moment in history that tore apart several lives…families were uprooted, loved ones were lost and immense suffering was endured.
At the same time,…
— Narendra Modi (@narendramodi) August 14, 2026
PM મોદીએ વિભાજન પીડિતોના સાહસને કર્યું નમન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વિભાજનની પીડા સહન કરનારા લોકોના સાહસ અને સંઘર્ષને યાદ કર્યો. તેમણે જણાવ્યું કે વિભાજનનો સમય એવો હતો, જેમાં અનેક લોકોના જીવન તહસનહસ થઈ ગયા, પરિવારો ઉજડી ગયા અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તમામ મુશ્કેલીઓ છતાં વિભાજનથી પ્રભાવિત લોકોએ ફરીથી શૂન્યમાંથી જીવન ઊભું કર્યું. મુશ્કેલ પરિસ્થિતિને સફળતામાં ફેરવી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમની જીવનયાત્રા માનવીય સંકલ્પ અને હિંમતની શક્તિનું પ્રતિક છે.
તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ દેશવાસીઓમાં પરસ્પર સદભાવ, ભાઈચારો અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે અને સૌ સાથે મળીને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરશે.
‘વિપરીત પરિસ્થિતિમાં પણ સંકલ્પ સિદ્ધ કર્યો’
અન્ય એક સંદેશમાં પણ પ્રધાનમંત્રી મોદીએ વિભાજનનો ભયાનક સમય પાર કરીને દેશના વિકાસમાં યોગદાન આપનારા લોકોને નમન કર્યું. તેમણે કહ્યું કે આવા લોકોએ પોતાના સાહસ અને સામર્થ્યથી બતાવ્યું કે કેટલીય મુશ્કેલ પરિસ્થિતિ હોય, દૃઢ સંકલ્પથી નવી શરૂઆત કરી શકાય છે.
સાથે જ તેમણે દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા અને સદભાવનાની ભાવનાને વધુ મજબૂત કરવાની અપીલ કરી.
2021માં થઈ હતી સ્મૃતિ દિવસ મનાવવાની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. તેનો મુખ્ય હેતુ 1947ના વિભાજન દરમિયાન થયેલી માનવીય પીડા, હિંસા અને સ્થળાંતરની યાદને જીવંત રાખવાનો છે.
સરકારનું માનવું છે કે આ દિવસ દ્વારા નવી પેઢીને સમજાવવામાં મદદ મળશે કે દેશના વિભાજન દરમિયાન લાખો લોકોએ કેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કર્યો હતો. સાથે જ સમાજમાં નફરત અને વિભાજન ફેલાવતી શક્તિઓ સામે સતર્ક રહેવાનો સંદેશ પણ મળે છે.
લાહોરના નાનકચંદ જેવા હજારો પરિવારોનું બધું જ છીનવાઈ ગયું
વિભાજનની પીડાની અનેક કહાનીઓ આજે પણ ઇતિહાસમાં જીવંત છે. આવી જ એક કહાની લાહોરના જાણીતા સોનાના વેપારી નાનકચંદના પરિવારની છે. લાહોરના ફૂલા મંડી વિસ્તારમાં તેમનો વ્યવસાય હતો અને પરિવાર સુખી જીવન જીવી રહ્યો હતો. પરંતુ 1947ના વિભાજને તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. વતન, ઘર અને વ્યવસાય છોડીને તેમને ભારતમાં નવી શરૂઆત કરવી પડી.
નાનકચંદનો પરિવાર તો માત્ર એક ઉદાહરણ છે. વિભાજનની રેખાએ આવા લાખો લોકોને પોતાના મૂળથી ઉખાડી નાખ્યા હતા.
આ પણ વાંચો: રક્ષાબંધન પર્વે રાખડી મોકલવા ભારતીય ટપાલ વિભાગની વિશેષ યોજના, ડિસ્કાઉન્ટ સાથે રાખી મેલ સેવા શરૂ












