‘PM મોદી મારા સારામિત્ર’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ટ્રમ્પે આપ્યા સારા સમાચાર

Trump gives good news: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે. સાથે જ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટી ટ્રેડ ડીલ થવાની આશા પણ વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે બંને દેશોના સંબંધોને મજબૂત ગણાવ્યા અને કહ્યું કે ચર્ચા સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.
ટ્રમ્પે જણાવ્યું કે તેમને PM મોદી ખૂબ પસંદ છે અને બંને વચ્ચે સારી સમજ તથા મજબૂત સંબંધો છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સારા સંબંધોના કારણે ટ્રેડ ડીલ થવાની શક્યતા વધુ મજબૂત બની છે.
આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર ભારતની જૂની ટેરિફ નીતિ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ઘણા વર્ષો સુધી ભારત અમેરિકી પ્રોડક્ટ્સ પર ઊંચો ટેરિફ લગાવતું હતું, જ્યારે ભારતીય સામાનને અમેરિકી બજારમાં વધુ સરળ પ્રવેશ મળતો હતો. ટ્રમ્પના જણાવ્યા મુજબ, અગાઉ વેપાર મામલામાં અમેરિકા નુકસાનમાં રહેતું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જોકે ટ્રમ્પે એ પણ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ છે અને હવે અમેરિકા ભારત સાથેના વેપારિક સંબંધોમાંથી પહેલા કરતા વધુ આર્થિક ફાયદો મેળવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે બંને દેશો વચ્ચેનું ટ્રેડ બેલેન્સ હવે અમેરિકા માટે વધુ અનુકૂળ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકી પ્રતિનિધિમંડળ ભારત પહોંચ્યું હતું અને ચાર દિવસ સુધી બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચર્ચાના એક તબક્કા બાદ ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વાતચીત ખૂબ સકારાત્મક રહી છે અને બંને દેશો વેપાર અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
બીજી તરફ વ્લાદિમીર પુતિન એ પણ ભારત અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત પર દબાણ બનાવવાના પ્રયાસો નિષ્ફળ જશે. પુતિને જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે અને PM મોદી પર દબાણ બનાવવું આંતરરાષ્ટ્રીય સંબંધો માટે યોગ્ય નથી.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે ચાલી રહેલી ચર્ચાઓ હવે વૈશ્વિક સ્તરે પણ ધ્યાનનું કેન્દ્ર બની ગઈ છે. જો આ ડીલ પૂર્ણ થાય છે તો બંને દેશોના વેપાર અને રોકાણ ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : કેરળમાં ચોમાસાની એન્ટ્રી સાથે દેશભરમાં વરસાદનો રાઉન્ડ શરુ થયો, જાણો 10 જૂન સુધીનું હવામાન












