પીએમ મોદી આજે હાંસલપુરમાં મારુતિ સુઝુકીના નવા EV યૂનિટનું ઉદ્ધાટન કરશે, ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન મળશે

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં બે દિવસીય પ્રવાસે આવ્યા છે. આજે તેમનો બીજો દિવસ છે. જ્યાં આજે અમદાવાદના હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં કંપનીની નવી ઈલેક્ટ્રિક વાહન યૂનિટનું ઉદ્ધાટન કરશે. આ પગલું ભારતના ઓટોમોટિવ સેક્ટરમાં ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
પીએમ મોદી સવારે લગભગ 10 વાગ્યે હાંસલપુરમાં આવેલા મારુતી સુઝુકીના પ્લાન્ટમાં પહોંચશે, જ્યાં તેઓ કંપનીની નવી બેટરી ઈલેક્ટ્રિક વાહન યૂનિટનું ઉદ્ધાટન કરશે. આ અવસર પર મારુતિ સુઝુકી પોતાની પહેલી ઈલેક્ટ્રિક SUV ઈ વિટારાને લોન્ચ કરશે. ઉદ્ધાટન સાથે જ આ પ્લાન્ટમાં આજથી જ ઈલેક્ટ્રિક વાહનની પહેલી બેચનું ઉત્પાદન શરુ થઈ જશે. ઈ વિટારા મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં પહેલી પ્રોડક્ટ હશે, જે ભારતના વધતા EV બજારમાં કંપનીની સ્થિતિને વધારે મજબૂત કરશે.
પીએમ મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદના નિકોલમાં એક જાહેરસભાને સંબોધન કરતા રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રગતિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તેના સહયોગના વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
આ પણ વાંચો: દિલ્હીમાં AAP નેતા સૌરભ ભારદ્વાજના ઘરે EDની રેડ, જાણો શું છે સમગ્ર મામલો












